મહિલાઓમાં પ્રેગનન્સી પછી વજન વધવાની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા મહિલાઓ અનેક પ્રયાસ કરે છે. પરંતુ શરીરમાં જમા થયેલ જીદી ચરબી દૂર થતી નથી. પ્રસૂતિ બાદ ખાસ કરીને મહિલાઓમાં શરીરના સાથળ અને જાંધ પર વધારાની ચરબી જમા થાય છે. જેના કારણે તેમનો શેપ બેડોળ બની જાય છે. પ્રસૂતિ બાદ બાળકની સારવાર તેમની પ્રાથમિકતા હોય છે, અને બીજી બાજુ વધતું વજન તેમની ચિંતાનું કારણ બને છે.
સાથળ અને જાંઘ પર જમા થતી ચરબી માત્ર વિચિત્ર જ નથી લાગતી, પણ તેમને અસ્વસ્થતા પણ અનુભવ કરાવે છે. બાળકની સારવાર સાથે જ તમે આ વધતા વજનની સમસ્યા દૂર કરી શકો છો.
જાંઘની ચરબી ઘટાડવા માટે આ 2 યોગાસનો મદદરૂપ
ઉત્કટાસન: બાળક બપોરે આરામ કરતું હોય ત્યારે તમે આ આસન કરી શકો છો. આ આસન કરવાથી આનાથી ચરબી બળે છે અને પગ શેપમાં આવવા લાગશે. આ આસનથી જાંઘ, હિપ્સ અને પગના સ્નાયુઓ મજબૂત બનશે.
આ આસન કરવા માટે તમે સીધા ઊભા રહો પછી તમારા પગ ખભા-પહોળાઈ સુધી ફેલાવો. પ્રણામ મુદ્રામાં તમારા હાથ આગળ સીધા કરો અથવા તમારી છાતીની નજીક લાવો અને તમારા ઘૂંટણ વાળીને બેસવાનો પ્રયાસ કરો. આ આસન કરતા કરોડરજ્જુ સીધી રાખો અને 30 સેકન્ડથી એક મિનિટ સુધી આ સ્થિતિમાં રહો.
વીરભદ્રાસન : આ આસનને અંગ્રેજીમાં વોરિયર પોઝ પણ કહેવાય છે. આ આસન કરવાથી જાંઘ અને કમરના સ્નાયુમાં ખેંચાણ આવશે. જેના કારણે વધારાની ચરબી ઓછી થવા લાગશે. આ ઉપરાંત પગનો સ્ટેમિના વધશે અને સંતુલનમાં પણ સુધારો થશે.
આ આસન કરવા માટે એક પગ આગળ અને બીજો પાછળ ખસેડો. તમે આગળના પગના ઘૂંટણને 90 ડિગ્રી પર વાળો અને પાછળનો પગ સીધો રાખો. ત્યારબાદ આ પોઝિશન લઈ તમારા હાથ ઉંચા કરો અને નમસ્તે મુદ્રામાં જોડો અથવા સીધા ફેલાવો. 30 સેકન્ડથી 1 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો અને પછી પગ બદલો. આ આસન કરવાથી પ્રસૂતિ વખતે થતા કમરના દુખાવામાં પણ રાહત મળશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )