વરસાદી સિઝનમાં બહારનું ખાવાથી બીમારીનું જોખમ રહે છે. આ સિઝનમાં આરોગ્ય તંદુરસ્ત રાખવું હોય તો ઘરમાં બનતી વાનગીઓ જ ખાવી જોઈએ. આ સિઝનમાં ખાવાના શોખીનોને સમોસા, દાળવડાં અને ભજીયા ખાવાની બહુ ઇચ્છા થતી હોય છે. આ ફરસાણ જેવી એક નવી વાનગીની તમને રેસીપી જણાવીશું. આ વાનગી તમે તળીને અથવા શેલો ફ્રાય કરીને પણ બનાવી શકો છો.
કટલેટની એક નવી વેરાઈટી
આજે અમે તમને કટલેટની એક નવી વેરાઈટી જણાવીશું. હેલ્થ કોન્સિયસ લોકો માટે ઓટ્સ કટલેટ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ઓટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારક છે અને જો તેની સાથે શાકભાજી પણ હોય તો તે શરીર માટે વધુ ગુણકારી બનશે. આજના લેખમાં તમને ઓટ્સ કટલેટની વાનગી બનાવવાની રેસીપી જણાવીશું.
ઓટ્સ કટલેટ બનાવવા માટેની સામગ્રી : આ વાનગી બનાવવા 2-2 ઝીણાં સમારેલા લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, છીણેલું આદું અને જરૂરિયાત મુજબ મીઠું લો.
- 1 કપ ઓટ્સ
- 2 મધ્યમ કદના બાફેલા બટાકા
- 1 છીણેલું ગાજર
- 1/5 ઝીણું સમારેલું કેપ્સિકમ
- 1/5 લીલા વટાણા
- બ્રેડક્રમ્સ - 1/2 કપ
ઓટ્સ કટલેટ બનાવવાની રીત:
- આ વાનગી બનાવવા સૌ પ્રથમ ઓટ્સને એક પેનમાં હળવા હાથે શેકો. સાધારણ શેકાઈ ગયા બાદ તેને મિક્સરમાં નાખો અને અધકચરા પીસી લો. ત્યારબાદ એક બાઉલમાં બાફેલા અને છૂંદેલા બટાકા લો. અને તેમાં છીણેલું ગાજર, કેપ્સિકમ, બાફેલા વટાણા, લીલા મરચાં, આદુ અને કોથમીર સહિતની સામગ્રી ઉમેરો.
- આ મિશ્રણમાં તમે લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું અને બારીક પીસેલા ઓટ્સ ઉમેરો. કયારેક બટાકાના લીધે આ મિશ્રણ ઢીલું પડે છે. જો તમારું મિશ્રણ ઢીલું પડયું હોય તો તેમાં તમે બ્રેડક્રમ્સ ઉમેરી બટાકાવડાં કરીએ તેવો જાડો માવો તૈયાર કરો.
-
- હવે આ તૈયાર કરેલા મિશ્રણમાંથી મનપસંદ સાઈઝની કટલેટ બનાવો. તમે ગોળ અથવા ઇંડાઆકારની સાઈઝની કટલેટ બનાવી શકો છો. બજારમાં કટલેટ માટેના તૈયાર મોલ્ડ મળતા હોય છે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.
- એક તવા પર થોડું તેલ ગરમ કરો અને કટલેટને મધ્યમ તાપ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર થઈ ગઈ તમારી ઓટ્સ કટલેટ વાનગી. તમે ઓટ્સ કટલેટને લીલી ચટણી, આમલીની ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો.