વરસાદમાં ખાવાના શોખીનોને તળેલા નાસ્તા ખાવાનું બહુ મન થાય છે. વરસાદ પડતા જ લોકો મેથીના ગોટા અને ભજીયા બનાવવા લાગે છે. જયારે સમોસા અને કચોરી જેવા નાસ્તાનું બજારમાં ધૂમ વેચાણ થવા લાગે છે. આજે બજારમાં ફકત બટાકાના સમોસા નહી પરંતુ ચાઈનીઝ સમોસા, પનીરી સમાસા જેવા વિવિધ પ્રકારના સમોસા મળે છે. આજકાલ બાળકોને આ નાસ્તા પસંદ આવતા નથી. એટલે માતાઓને બાળકોને આ સિઝનમાં શું ખવડાવું તેની ચિંતા રહે છે.
બાળકો ચીઝ અને પનીર વાળું ભોજન વધુ પસંદ કરે છે. એટલે આજે અમે તમને બાળકોના મનપસંદ ચીઝ કોર્ન સમોસાની રેસીપી જણાવીશું.
ચીઝ કોર્ન સમોસા બનાવવાની સામગ્રી : તમે આ વાનગીમાં જરૂરિયાત મુજબ મીઠું અને તેલ લેવું. ઉપરાંત સ્વાદ વધારવા ગરમ મસાલો કે પછી આમચરુ પાઉડર અથવા મેગી મસાલો પણ ઉમેરી શકો છો.
3 ચમચી કોર્ન બાફેલા
100 ગ્રામ ચીઝ
1 ચમચી સીઝવાન ચટણી
1 નાની વાટકી મેદો
1/2 નાની વાટકી ધઉં નો લોટ
2 ચમચી સોજી
ચીઝ કોર્ન સમોસા બનાવવાની રીત
- આ વાનગી બનાવવા સૌ પ્રથમ તમારે એક બાઉલમાં મેંદો, સોજી અને ઘઉંનો લોટ લો અને તેને બરાબર મિક્સ કર્યા બાદ તેમાં મુઠી પડતું મોણ નાખો. પછી આ લોટના મિશ્રણમાં થોડું થોડું પાણી નાખોં અને (પરોઠાના લોટ કરતાં થોડો સખત) થોડો કઠણ લોટ બાંધો.
- આ લોટ બંધાઈ જાય એટલે તેને સ્વચ્છ કોટન કપડામાં દસ મિનિટ ઢાંકી ને રહેવા દો. બીજી બાજુ તમે સમોસામાં ભરવા માટેની સામગ્રી બનાવો. આ માટે બાફેલા કોર્નને તમે મિકસરમાં અધકચરા ક્રશ કરો.
- ત્યારબાદ તમે એક પેનમાં સાધારણ તેલ મૂકો તેમાં ચપટી જીરું અને ચપટી અજમો તતડે એટલે ક્રશ કરેલા કોર્નને પેનમાં સાંતળો. આ સામગ્ર સંતળાઈ જાય પછી ખમણેલું ચીઝ અને સેઝવાન ચટણી નાખી હલાવી લો. સમોસા માટેનું તમારું સ્ટફીંગ તૈયાર થઈ ગયું. તમે આ મિશ્રણમાં પોતાના સ્વાદ મુજબ ગરમ મસાલા કે પછી મન્ચયુરીન મસાલા જેવા અન્ય મસાલા પણ ઉમેરી શકો છો.
- હવે એક લોટનો ગોળો લો અને પછી આ લુવાને 5-6 ઇંચ વ્યાસવાળી ગોળ આકારમાં રોટલીની જેમ વણી લો. પછી આ રોટલીને બરાબર અધવચ્ચેથી છરી વડે કાપી લો. જ્યાંથી કાપ્યું છે તે બાજુની કિનારીની સપાટીને ભીની કરવા માટે એક બ્રશથી અથવા તો આંગળી ભીની કરીને પાણી લગાવો.
- પછી બંને રોટલીના કાપેલા બંને ભાગમાં કોર્નનું સ્ટફિંગ ભરો અને કિનારીઓને યોગ્ય રીતે પેક કરો જેથી મિશ્રણ બહાર ના નીકળે. આમ તમે ત્રિકોણ સાઈઝના સમોસા બનાવી તેલ ગરમ થાય એટલે તેને તળવા મૂકો.
- કઢાઈમાં તમે મધ્યમ તાપમાં તમામ સમોસા તળી લો અને સોનેરી થાય એટલે ઝારાં વડે બહાર કાઢો. તૈયાર છે તમારા ચીઝ કોર્ન સમોસા. તમે આ સમોસાને સોસ અને ચટણી સાથે સર્વ કરી શકો છો.