ચોમાસાની સિઝનમાં વરસાદ સાથે બીમારીઓ પણ આવે છે. વરસાદી પાણીનો ભરાવો થતા ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આવી સિઝનમાં ઘરના લોકોના સ્વાસ્થ્યને લઈને મહિલાઓને ચિંતા રહેતી હોય છે. ખાસ કરીને બાળકો આ સિઝનમાં વાયરલ બીમારીના જલદી શિકાર થાય છે. ત્યારે તેમને આ સિઝનમાં વધુ પ્રોટીન યુક્ત આહાર આપી તેમના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકીએ.
આજના લેખમાં અમે તમને બાળકોના મનપસંદ પનીર રોલની રેસીપી જણાવીશું. આ વાનગીનો મલ્ટીપર્પઝ ઉપયોગ કરી શકો છો એટલે કે બાળકોને પનીર ખાવાનું વધુ પસંદ હોય છે એટલે તમે નાસ્તામાં અને ડીનરમાં પણ આ વાનગી બનાવી શકો છો. તેમજ બાળકોના લંચ બોક્સમાં પણ આ વાનગી આપી શકો છો.
પનીર રોલ બનાવવા માટેની સામગ્રી
આ રોલ બનાવવા તમે બ્રેડના બદલે ઘરે બનાવેલ રોટલીનો ઉપયોગ પણ કરી શકો છો. રોજિંદા મસાલામાં તમે અડધી ચમચી હળદર અને ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું તેમજ સ્વાદ વધારવા મન્ચયુરીન મસાલાનો ઉપયોગ કરી શકો છો.
- ઘંઉની ઘરે બનાવેલી રોટલી
- અડધો કપ કેપ્સિકમ નાના સમારેલા
- 1 કપ કુટીર ચીઝ
- 1/2 કપ ગ્રીક દહીં
- ચમચી મીઠું
- 1 ચમચી કાશ્મીરી મરચું
- 1 ચમચી અથાણું મસાલો (ઓપ્શનલ)
- 1 ચમચી ચાટ મસાલા
- 1 ચમચી કસુરી મેથી
- 1 ચમચી ઓરેગાનો
- 2 ચમચી તંદૂરી ચીઝ સ્પ્રેડ

પનીર રોલ બનાવવાની રીત :
- પનીર રોલની વાનગી બનાવવા સૌ પ્રથમ તમે ગ્રીક દહીંમાં મીઠું, કાશ્મીરી મરચું, હળદર, ચાટ મસાલો, ધાણા પાવડર, આચારી મસાલો ઉમેરી તેને બરાબરા મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં પનીરના ટુકડા ઉમેરો અને પછી તેને મેરીનેટ કરવા માટે થોડીવાર એટલે કે 5-10 મિનિટ માટે બાજુ પર રાખો. જો તમે આ રોલનો સ્વાદ વધારવા માગતા હોવ અને આદુ-લસણ ખાતા હોવા તો તેની પેસ્ટ મિશ્રણમાં ઉમેરી શકો છો.
- દહીમાં પનીર બરાબર મેરીનેટ થાય ત્યાં સુધી એક પેનમાં તેલ ગરમ કરો અને આ તેલમાં કેપ્સિકમને સાધારણ સાંતળો. ત્યારબાદ તેને એક બાજુ કાઢી લો. અને પછી આ જ પેનમાં મેરીનેટ કરેલા પનીરને સારી રીતે શેલો ફ્રાય કરી તળો.
- હવે એક ઘંઉની રોટલી લો અને તેના પર તંદૂરી ચીઝ સ્પ્રેડ ફેલાવો. પછી તેના પર ઓરેગાનો સ્પ્રીંકલ કરો. પછી વચ્ચે પનીર મૂકો અને તેના ઉપર કેપ્સિકમ પણ મૂકો. થઈ ગયા તૈયાર પનીર રોલની વાનગી. આ પનીર રોલને ટિફિનમાં આપવા હોય તો તેને રોલ કરો અને તેની નીચે ફોઇલ પેપર અથવા બટર પેપર મૂકો. તમે રોલને બે ટુકડામાં કાપીને ટિફિનમાં પણ રાખી શકો છો.
વરસાદમાં આરોગ્ય સ્વસ્થ રાખવા પ્રોટીનયુક્ત આહાર બાળકોને વધુ પોષણ આપશે. આ પનીર રોલની વાનગી સ્વાદ તો વધારશો જ સાથે સ્વાસ્થ્યમાં પણ લાભ કરશે.