ઉનાળાની ગરમી વિદાય લઈ રહી છે. શાળાઓમાં વેકેશનનો માહોલ પૂર્ણ થવાનો છે. અનેક સ્થાનો પર છુટોછવાયો વરસાદ શરૂ થયો છે. કેરલમમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે સાંજના સમયે લાગતી નાની-મોટી ભૂખ, ગરમાગરમ લીંબુ-મસાલા અને મીઠા વાળી મકાઈ (Roasted Corn) ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. રસ્તાની બાજુમાં લારી પર મળતી કોલસા પર શેકેલી મકાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ દરરોજ બહાર જઈને ખાવું શક્ય નથી હોતું. જો કે બજાર જેવી શેકેલી મકાઈ હવે ઘરે પણ ઓછી મહેનતમાં બનાવી શકાય છે. જેને તમે શાળાએ જતા બાળકોને લંચબોક્સમાં અથવા તો સાંજના બ્રેકફાસ્ટમાં આપી શકો છો. મકાઈ શેકવાની આ ટીપ્સ બહુ સરળ છે જાણો.
પ્રેશર કૂકરમાં રેતી વગર મકાઈ શેકવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
- સૌ પ્રથમ મકાઈના ફોતરાં ઉતારીને તેને સરસ રીતે સાફ કરી લો. તેના પર રહેલા ઝીણા રેશા (વાળ) ને સંપૂર્ણપણે હટાવી દો અને કોઈ દાણો બગડેલો હોય તો તે ભાગ કાઢી નાખો. હવે મકાઈના બે સરખા ટુકડા કરી લો જેથી તે પ્રેશર કૂકરમાં સરળતાથી ફિટ થઈ શકે. જો તમારું કૂકર નાનું હોય, તો તમે મકાઈના ત્રણ ટુકડા પણ કરી શકો છો.
- કૂકરમાં મકાઈ મૂકતાં પહેલાં આ ખાસ સ્ટેપ ફોલો કરો. કૂકરના તળિયે થોડું દેશી ઘી લગાવીને તેને સરખી રીતે ગ્રીસ કરી લો. ઘી લગાવવાથી મકાઈ તળિયે ચોંટશે નહીં બળશે નહીં અને શેકાતી વખતે તેની ખૂબ જ સરસ સુગંધ આવશે.
- ત્યારબાદ મકાઈના ટુકડાને કૂકરમાં ગોઠવો. ધ્યાન રાખવું કે કૂકરમાં બહુ વધારે ભીડ (ઓવરલોડ) ન કરવી, નહીં તો મકાઈ બધી બાજુથી સરખી શેકાશે નહીં.
- હવે રસોડામાં વપરાતો એક સાફ અને જાડો સુતરાઉ ટુવાલ અથવા કોટનનું કાપડ લો. આ કાપડને ચોખ્ખા પાણીમાં સારી રીતે પલાળી લો અને ત્યારબાદ તેનું વધારાનું પાણી બરાબર નીચોવી લો. આ ભીના કાપડને કૂકરમાં રહેલી મકાઈની ઉપર મૂકીને મકાઈને ચારેય તરફથી ચુસ્તપણે ઢાંકી દો. આ રીત મકાઈને અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનાવશે.
- હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરો (ધ્યાન રાખવું કે સીટી વાગે નહીં) અને તેને ગેસ પર મધ્યમ આંચ પર મૂકો. જેમ જ કૂકરમાં વરાળ (પ્રેશર) બનવા લાગે, તરત જ ગેસની આંચ એકદમ ધીમી કરી નાખો. મકાઈને ધીમા તાપે લગભગ ૧૫ મિનિટ સુધી અંદર જ શેકાવા દો. ૧૫ મિનિટ પછી ગેસ બંધ કરો અને કૂકરનું પ્રેશર આપમેળે તેની જાતે જ નીકળવા દો.
- જ્યારે તમે કૂકર ખોલશો, ત્યારે બજારમાં કોલસા પર શેકાતી મકાઈ જેવી જ પરફેક્ટ, સુગંધિત અને ક્રિસ્પી મકાઈ તૈયાર હશે! હવે તેના પર લીંબુ, સંચળ અને લાલ મરચું લગાવીને ગરમાગરમ ખાવાનો આનંદ માણો.
ઘરે બનશે બજાર જેવી સ્વાદિષ્ટ મકાઈ
આપણે ઘરે ગેસના બર્નર પર મકાઈ શેકવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે તે કાં તો કાચી રહી જાય છે અથવા તો કાળી પડીને બળી જાય છે. આ જ કારણે મોટાભાગના લોકો ઘરે મકાઈને ઉકાળી (Boil) નાખે છે, પરંતુ બાફેલી મકાઈમાં શેકેલી મકાઈ જેવો અસલી સ્વાદ નથી આવતો. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આજે અમે તમને પ્રેશર કૂકરમાં રેતી કે નમક વગર બજાર જેવી જ પર્ફેક્ટ મકાઈ શેકવાની એક અદભુત અને સરળ રીત તમને જણાવી છે તે આજે જ ટ્રાય કરો. અને મકાઈ ખાવાનો માણો આનંદ.













