ઉનાળાના દિવસોમાં તીવ્ર તડકો, પરસેવો અને પ્રદૂષણને કારણે ચહેરાની કુદરતી તાજગી ખોવાઈ જાય છે. ટેનિંગ અને નિસ્તેજ ત્વચાથી છુટકારો મેળવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ કે પાર્લરના ટ્રીટમેન્ટની જરૂર નથી. તમારા રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે માત્ર 10 રૂપિયાથી પણ ઓછા ખર્ચે ચમકતી ત્વચા મેળવી શકો છો.
1. બટાકા: કુદરતી બ્લીચનો ખજાનો
બટાકાનો રસ ત્વચા માટે નેચરલ બ્લીચનું કામ કરે છે. ચોખાનો લોટ, બટાકાનો રસ, એલોવેરા જેલ અને ટામેટાનો રસ મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેકને 15 મિનિટ ચહેરા પર લગાવો અને ત્યારબાદ હળવા હાથે મસાજ કરીને ધોઈ લો. આ ઉપાયથી ડાર્ક સ્પોટ્સ દૂર થશે અને ચહેરો તરત જ ખીલી ઉઠશે.
2. સંતરા અને લીંબુની છાલનું મેજિક
સામાન્ય રીતે આપણે ફળ ખાઈને છાલ ફેંકી દઈએ છીએ, પરંતુ તે વિટામિન-સીનો મોટો સ્ત્રોત છે. તાજી છાલને છીણીને તેની પેસ્ટ બનાવો અને તેમાં એલોવેરા તથા વિટામિન-E ની કેપ્સ્યુલ ઉમેરો. અઠવાડિયામાં ત્રણ વાર આ પેક લગાવવાથી ત્વચામાં જબરદસ્ત ચમક આવે છે અને ટેનિંગ દૂર થાય છે.
3. ઓટ્સ અને દહીંનું સ્ક્રબ
જો તમારી ત્વચા નિસ્તેજ લાગે છે, તો ઓટ્સ પાવડરમાં મધ અને દૂધ અથવા દહીં ઉમેરીને ફેસ પેક તૈયાર કરો. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને ચમક આપે છે અને ઓટ્સ મૃત કોષોને દૂર કરીને ત્વચાને અંદરથી સાફ કરે છે. સાપ્તાહિક ધોરણે આ સ્ક્રબનો ઉપયોગ કરવાથી ત્વચા રેશમી અને મુલાયમ બને છે.
4. ટામેટા અને હળદરનો ઉપાય
ઉનાળામાં હાથ-પગ અને ચહેરા પર થતા ટેનિંગ માટે ટામેટા શ્રેષ્ઠ છે. એક ટામેટાને અડધું કાપી તેના પર ચપટી હળદર અને ચણાનો લોટ ભભરાવો. આ ટામેટાથી ચહેરા પર 5-10 મિનિટ મસાજ કરો. ટામેટામાં રહેલા એસિડિક ગુણો ત્વચાનો કાળાસ દૂર કરી કુદરતી ગ્લો લાવે છે.
5. હળદર અને દહીંનો પ્રાચીન નુસખો
દાદીમાના જમાનાથી ચાલતો આ ઉપાય આજે પણ એટલો જ અસરકારક છે. દરરોજ રાત્રે સૂતા પહેલા દહીંમાં શુદ્ધ હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ગુલાબજળથી મસાજ કરીને ચહેરો સાફ કરો. હળદર એન્ટિ-સેપ્ટિક છે જે ખીલ અટકાવે છે અને દહીં ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે.
કેમિકલયુક્ત મોંઘા પ્રોડક્ટ્સને બદલે આ કુદરતી ઘટકોનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત અને ફાયદાકારક છે. નિયમિતપણે આ ઉપાયો અજમાવવાથી તમે કોઈપણ આડઅસર વગર 'બ્યુટી પાર્લર' જેવો નિખાર મેળવી શકો છો.
આ પણ વાંચોઃ Matka Cleaning Tips: શું તમારા માટલાના પાણીમાંથી દુર્ગંધ આવે છે? આજે જ અપનાવો આ સોલ્ટ થેરાપી