દિવાળી તહેવારમાં દરેક ઘરે મીઠાઈ બને છે. પરંપરાગતથી લઈને ચોકલેટવાળી આધુનિક મીઠાઈ બનાવવામાં મહિલાઓ લાગી છે. બજારની મીઠાઈમાં અત્યારે મોટાપાયે ભેળસેળ થતા હોવાના સમાચાર આવી રહ્યા છે. આ મીઠાઈ ભલે સ્વાદિષ્ટ લાગે પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ તહેવારમાં જો તમને પારંપરીક મીઠાઈ ખાવાનું મન હોય તો તમે આ વાનગી જરૂર ટ્રાય કરી શકો છો. વર્ષોથી દાદી-નાની ખાસ આ તહેવા પર આ વાનગી બનાવતા હતા. તમે પરંપરા જાળવવા માવાના ઘુઘરા બનાવી શકો છો. નોંધી લો પરફેક્ટ માપ સાથે આ પારંપરિક મીઠાઈની રેસીપી.
ઘુઘરા બનાવવા માટે સામગ્રી :
- 1/2 કપ સોજી (ઝીણો રવો)
- 1.5 કપ માવો
- 1/2 કપ કોપરાનું છીણ
- 1/4 કપ અધકચેરી વાટેલા કાજુ
- 1 ચમચી ઈલાયચી પાઉડર
- 1/4 કપ અધકચેરી વાટેલી બદામ
- 3/4 કપ દળેલી ખાંડ
- 1/4 કપ અધકચેરી વાટેલા પીસ્તા
- 3/4 ચમચી ઘી
- 3 કપ મેંદો
- 3- 4 ચમચી ઘી
- 3/4કપ દૂધ
- ચપટી મીઠું
- તળવા માટે તેલ
ઘુઘરા બનાવવાની રીત :
- માવા ઘુઘરા બનાવવા માટે પહેલા એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ઉમેરીને ઝીણો રવો બદામી કલર થાય ત્યાં સુધી 5-7 મિનિટ શેકી લો. પછી તેમાં વાટેલાં કાજુ, બદામ અને કોપરાનો છીણનો ભૂકો ઉમેરીને મીડીયમ તાપ પર એક મિનિટ સુધી શેકીને ગેસ બંધ કરી દેવો. આ મિશ્રણને ઠંડુ કરવા મૂકો અને બીજી બાજુ પેનમાં એક ટેબલસ્પૂન ઘી ઉમેરીને તેમાં માવો ઉમેરી શેકી લો.
- ત્યારબાદ આ માવામાં ઝીણા રવાનું મિશ્રણ ઉમેરીને બધું બરાબર હલાવી 5 થી 5 મિનિટ શેકી ગેસ બંધ કરો. આ મિશ્રણમાં નાના મોટા ગઠ્ઠા ના થાય તેનું ધ્યાન રાખો. મિશ્રણને એકદમ ઠંડુ થવા દીધા બાદ બરાબર મસળી લેવું. પછી દળેલી ખાંડ ઉમેરીને બરાબર હલાવી લેવું. એ વાતની ખાસ કાળજી રાખવી કે ફીલિંગ એકદમ ઠંડું થયા પછી જ ખાંડ ઉમેરવી.
- હવે મેંદાનો લોટમાં ઘીનું મોણ અને દૂધ નાખી પૂરી વણાય તેવો ના બહુ કઠણ અને ના બહુ ઢીલો તેવો નરમ લોટ બાંધો. પછી 10થી 15 મિનિટ એરટાઈટ વાસણમાં લોટને કોટનના કપડાથી ઢાંકી રાખો. ત્યારબાદ લોટના લુઆ કરી મીડીયમ આકારની પુરી વણી લો. તેની કિનારી પર ચારે ફરતું પાણી લગાવી એક બાજુ માવા અને સોજીના લોટનું ફીલિંગ મૂકવું.
- પછી બીજી બાજુને ઉપર ઢાંકી દેવી અને કિનારીઓને બંધ કરી હલકા હાથે દબાવી દેવી. ઘૂઘરામાં ફિલિંગ કરવાનું મહત્વ છે. ખાસ ધ્યાન રાખવું નહિતર તળતી વખતે બધું ફીલિંગ બહાર આવી શકે છે. હવે કિનારીઓને દબાવીને ચપટી વાળી ને ઘુઘરા બનાવી લેવા. તમે કાંટાની મદદથી કિનારીઓ પર બજારના ઘૂઘરા જેવી ડિઝાઇન કરી શકો છો. અથવા બજાર માં તૈયાર મળતાં મોલ્ડની મદદથી પણ ઘૂઘરા બનાવી શકાય.
- આ રીતે બધા ઘુઘરા તૈયાર થઈ જાય એટલે કઢાઈમાં તેલ ગરમ મૂકી વારાફરતી તળી લેવા. આ દરમિયાન તમામ ઘૂઘરાને ભીના કિચન ટોવેલથી ઢાંકેલા રાખવા નહીતર સૂકાઈ જશે તો કીનારી છૂટવા લાગશે. તૈયાર થઈ ગયા સ્વાદિષ્ટ માવાના ઘૂઘરા. આ રીતે ધ્યાન રાખી ઘૂઘરા બનાવશો તો મહેમાન વારંવાર માગશે.













