હાલના સમયમાં ભારતીયોમાં ડિમેન્શિયા (યાદશક્તિ ગુમાવવી) ના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ રોગ માત્ર વૃદ્ધાવસ્થા સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે નાની ઉંમરના લોકોમાં પણ તેના લક્ષણો જોવા મળી રહ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મિડિકલ રિસર્ચ (ICMR) ની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN) દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના અભ્યાસે આ ચિંતાજનક સ્થિતિ પાછળનું એક મુખ્ય કારણ 'કુપોષણ' અને 'વિટામિન્સની ઉણપ' હોવાનું જણાવ્યું છે.
ICMR-NIN ના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
'ધ લેન્સેટ રિજનલ હેલ્થ - સાઉથ ઇસ્ટ એશિયા' માં પ્રકાશિત આ અભ્યાસમાં 40 થી 80 વર્ષની વયના ૫૭૦ લોકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોમાં વિટામિન B2, B6, B12 અને D ની ઉણપ હતી, તેમનામાં ડિમેન્શિયા થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે હતું. ડિમેન્શિયા એ માત્ર યાદશક્તિ ગુમાવવી નથી, પરંતુ તે વિચારવાની ક્ષમતામાં ઘટાડો, સ્વભાવમાં બદલાવ અને દૈનિક કાર્યો કરવામાં અસમર્થતા જેવી ગંભીર સમસ્યાઓનું મિશ્રણ છે.
આ કારણે મગજ અંદરથી નબળું પડી રહ્યુ છે
નિષ્ણાતોના મતે, આજની અનિયમિત જીવનશૈલી અને ખોટી આહાર પદ્ધતિ આ માટે જવાબદાર છે. વધુ પડતી સંતૃપ્ત ચરબી (saturated fats) વાળો ખોરાક અને ફળો તથા શાકભાજી જેવા પોષક તત્વોનો અભાવ મગજને અંદરથી નબળું પાડી રહ્યો છે. બીજી તરફ, જે લોકોના આહારમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો (micro-nutrients) ભરપૂર હતા, તેમનામાં ડિમેન્શિયાનું જોખમ ઘણું ઓછું જોવા મળ્યું હતું.
નિવારક પગલાં વહેલા લેવા અનિવાર્ય
જોકે, આનુવંશિક પરિબળો (genetics), ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ આ રોગના વિકાસમાં ફાળો આપે છે. સંશોધકોનું માનવું છે કે ૨૦૫૦ સુધીમાં ભારતમાં ડિમેન્શિયાના કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. આથી, અત્યારથી જ નિવારક પગલાં લેવા અનિવાર્ય છે.
માત્ર દવાઓ પર આધાર ન રાખો
નિષ્ણાતો સલાહ આપે છે કે માત્ર દવાઓ પર આધાર રાખવાને બદલે સંતુલિત આહાર અને જીવનશૈલીમાં સુધારો કરવો એ લાંબા ગાળાના મગજના સ્વાસ્થ્ય માટે સૌથી અસરકારક માર્ગ છે. નિયમિત વ્યાયામ, ધૂમ્રપાનથી દૂર રહેવું અને વિટામિનયુક્ત પૌષ્ટિક ખોરાક લેવો એ આ ગંભીર રોગથી બચવાના શ્રેષ્ઠ ઉપાયો છે. યાદ રાખો, તમારા આહારમાં લેવાયેલું દરેક પોષક તત્વ તમારા મગજના કોષોને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચોઃ પાણી પર ચાલતુ હતુ આ કોમ્પ્યુટર, જાણો 90 વર્ષ જૂના 'વોટર કમ્પ્યુટર'ની રસપ્રદ કહાની
desclaimer-સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.