વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર નાળિયેરનું દૂધ અનેક રીતે ઉપયોગી છે. નાળિયેરના દૂધનું સેવન ફક્ત ત્વચાની સમસ્યામાં રાહત આપે છે તેમજ હાર્ટએટેકના જોખમને પણ દૂર રાખવામાં મદદ કરે છે. જયારે વાળ માટે નાળિયેરનું દૂધ વરદાન કહેવાય છે. અનેક સમસ્યામાં નાળિયેરનું દૂધ ફાયદાકારક છે. કારણ કે તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન સી, ફોલેટ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, સેલેનિયમ રહેલું છે. પોષકતત્વોથી ભરપૂર નાળિયેરનું દૂધ તમે ઘરે સરળતાથી બનાવી શકશો.
આ રીતે બનાવો નાળિયેરનું દૂધ
નાળિયેરનું દૂધ બનાવવા 1 તાજું નાળિયેર લો. પછી તેની અંદરના સફેદ ભાગને બહાર કાઢી લો. આ સફેદ નાળિયેરને નાના અને પાતળા ટુકડાઓમાં કાપીને 30 મિનિટ માટે એક કપ પાણીમાં પલાળી રાખો. આમ, કરવાથી ટુકડા નરમ થશે અને તેને સરળતાથી મિકસરમાં બ્લેન્ડ કરી શકશો. હવે મિકસરમાં બે કપ પાણી નારિયેળના ટુકડા બે થી ત્રણ મિનિટ સુધી ક્રશ કરો. શકય બને ત્યાં સુધી તેની સ્મૂધ પેસ્ટ બનાવો. આ પેસ્ટને મલમલના કપડામાં તેને ગાળી લો. કપડામાંથી પ્રવાહી નીકળશે તે નારિયેળનું દૂધ છે. હવે આ કપડાંને હળવા હાથે દબાવો જેથી તેમાંથી વધુ દૂધ નીકળે. આ રીતે તમે નાળિયેરનું દૂધ બનાવી તેનો વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકો છો.
નારિયેળ દૂધનું સેવન ફાયદાકારક
નારિયેળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળનું પાણી શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે જ્યારે શરીરની તાત્કાલિક ઉર્જા માટે નારિયેળ દૂધનું સેવન વધુ લાભકારક સાબિત થયું છે. નાળિયરના દૂધનો તમે કઢી, થાઇ કરી, સૂપ, ચા કે કોફી અથવા પાયસ અને ખીરની વાનગીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તમે સપ્તાહમાં નિયમિતપણે આ દૂધને પોતાના આહારમાં સામેલ કરી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )