શિયાળાની ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના દિવસોમાં સવારે પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી, આળસ આવે છે અને શરીર વધુ સુસ્ત થઈ જાય છે. શિયાળાના દિવસોમાં શરીરને ઉર્જાવાન બનાવવા ઉકાળો પીવો જ એકમાત્ર વિકલ્પ નથી. આર્યુવેદિક પીણામાં આમળાનું પીણું ખાલી પેટે પીવાથી સ્વાસ્થ્યમાં અનેક લાભ થાય છે. ઠંડીના દિવસોમાં દિવસની શરૂઆત આ પીણાંથી કરશો તો આખો દિવસ થાક અને સુસ્તીનો અનુભવ થશે નહીં. દિવસની સારી શરૂઆત માટે શ્રેષ્ઠ વિકલ્પ હળદર સાથે મિશ્રિત આમળાનું પાણી છે.
શિયાળામાં આ ડ્રિંકસ પીવો, સ્વાસ્થ્યમાં ફાયદો
શિયાળો નજીક આવતા જ લીલા પાંદડાવાળા ભાજી, આંબા હળદર અને ગાજર અને આમળા બજારમાં દેખાવા લાગે છે. શિયાળા દરમિયાન કોઈપણ સ્વરૂપમાં આમળાનું સેવન સ્વાસ્થ્યને બૂસ્ટર કરે છે. અને આમળાને હળદર સાથે લેવામાં આવે તો એક આર્યુવેદિક ઔષધિનું કામ કરે છે. આમળાનું પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય લાભો બમણા થાય છે. આમળાનું આ ડ્રિંક્સ તમારી રોગપ્રતિકારક શક્તિ, ત્વચા, પાચન અને મૂડને સુધારે છે. ખાસ કરીને સવારે ખાલી પેટે આમળાનું આ પીણું પીવાથી શરીરમાં આ ચમત્કાર જોવા મળશે.












