ચોમાસામાં હવામાં રહેલા ભેજ અને બહારના પાણીના કારણે જૂતામાં બેક્ટેરિયા ઝડપથી વધે છે, જે દુર્ગંધનું મુખ્ય કારણ છે. 

દુર્ગંધ દૂર કરવાના અસરકારક ઘરેલું ઉપાયો

1. બેકિંગ સોડાનો જાદુ: 

બેકિંગ સોડા માત્ર રસોઈમાં જ નહીં, પણ એક ઉત્તમ ગંધ શોષક તરીકે પણ કામ કરે છે. રાત્રે સૂતી વખતે તમારા જૂતાની અંદર એક ચમચી બેકિંગ સોડા છાંટી દો. તે રાતભરમાં જૂતામાં રહેલી વધારાની ભેજ અને ગંધને સંપૂર્ણપણે શોષી લેશે. સવારે જૂતાને હલાવીને સાફ કરી લો, તમારા જૂતા એકદમ ફ્રેશ થઈ જશે.

2. સૂકા ચાના પાંદડા: 

ચાના પાંદડા બેક્ટેરિયાનો નાશ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. વપરાયેલી ટી-બેગને સૂકવીને અથવા સૂકા ચાના પાંદડાને એક પાતળા સુતરાઉ કપડામાં બાંધીને જૂતામાં થોડા કલાકો માટે મૂકી દો. આ ઉપાય જૂતામાં તાજી સુગંધ લાવે છે અને બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે.

3. અખબારની મદદ: 

વરસાદમાં ભીના થયેલા જૂતાને ઝડપથી સુકવવા માટે જૂના અખબારો સૌથી શ્રેષ્ઠ છે. ન્યૂઝપેપરને ફોલ્ડ કરીને જૂતાની અંદર ભરી દો. તે અંદરની ભેજને ઝડપથી શોષી લેશે. જો અખબાર વધુ ભીનું થઈ જાય, તો તેને બદલીને બીજું સૂકું અખબાર મૂકો. આનાથી તમારા જૂતા જલ્દી સુકાઈ જશે અને ગંધ પેદા કરતા બેક્ટેરિયા પણ નહીં વધે.

4. સૂર્યપ્રકાશ અને હવા: 

ભલે ચોમાસામાં તડકો ઓછો નીકળતો હોય, પરંતુ જ્યારે પણ થોડો પણ તડકો દેખાય ત્યારે જૂતાને બહાર મૂકવાની તક ચૂકશો નહીં. સૂર્યપ્રકાશ એક કુદરતી સેનિટાઇઝર છે જે જૂતામાં રહેલી ફૂગ અને જંતુઓને નષ્ટ કરે છે.

આ પણ વાંચોઃ બરેલીમાં કાળ બનીને તૂટી ઘરની બાલ્કની, દાદી અને પૌત્રીનું મોત