દેશભરમાં ગણેશ ચતુર્થી ઉજવણીને લઈને માહોલ જામ્યો છે. યુવાનોથી લઈને વયસ્ક તમામ લોકો આ તહેવાર ઉજવવા માટે ઉત્સાહ અને ઉમંગથી તૈયાર કરી રહ્યા છે. પરંતુ મહિલાઓ માટે આ તહેવાર કયારેક ચિંતાનું કારણ બની શકે છે. કારણ કે ધાર્મિક પ્રસંગમાં કરાતા પૂજનમાં સ્વચ્છતા અને શુદ્ધતા પર ભાર મૂકવામાં આવે છે. આવી સ્થિતિમાં મહિલાઓ આ ધાર્મિક ઉજવણીનો હિસ્સો બનવા પીરિયડ રોકવા દવાનું સેવન કરે છે. પરંતુ પીરિયડ રોકવાની લેવાતી દવાઓ તમામ મહિલા માટે યોગ્ય નથી.


પીરિયડ રોકવાની દવા બની શકે જોખમી

પ્રખ્યાત હેલ્થ એક્સપર્ટે પીરિયડ રોકવાની દવાઓને જોખમી ગણાવી છે. માસિક સ્ત્રાવ લંબાવવા લેવાતી દેવા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી શકે તેને લઈને ચેતવણી આપી છે. છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ ડોક્ટરની સલાહ અને પ્રિસ્ક્રીપશન વગર મેડિકલ સ્ટોરમાંથી પીરિયડ્સ બંધ કરતી ગોળીઓ જાતે જ લઈ રહી છે. પીરિયડ રોકવાની દવાથી મહિલાઓમાં થ્રોમ્બોસિસની સમસ્યાનું જોખમ વધે છે. આમાં લોહી જાડું થવા લાગે છે અને શરીરમાં લોહી ગંઠાવા લાગે છે. આ બાબત વધુ ખતરનાક બની શકે છે.

કાર્ડિયાક અરેસ્ટ અને મૃત્યુનું જોખમ

હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે લોહીનું જાડું થવું, એવા લોકો માટે સમસ્યા બની શકે છે જેઓ પહેલાથી જ લોહી ગંઠાઈ જવા (થ્રોમ્બોસિસ) થી પીડાય છે. જ્યારે લોહી જાડું થાય છે, ત્યારે રક્ત વાહિનીઓમાં થ્રોમ્બસ બની શકે છે. આ થ્રોમ્બસ લોહીના સામાન્ય પ્રવાહને અટકાવે છે, જેનાથી રક્ત પરિભ્રમણ પર અસર પડે છે. જો આ થ્રોમ્બસ તૂટી જાય છે અને બીજે ક્યાંક જાય છે. કેટલાક સંજોગોમાં તે ફેફસાંની રક્ત વાહિનીઓમાં અટવાઈ જાય તો તેને પલ્મોનરી એમબોલિઝમ કહે છે. જેના કારણે છાતીમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસીમાંથી લોહી નીકળવું, ચક્કર આવવા અથવા બેભાન થવા જેવી સમસ્યા જોવા મળે છે. આ સ્થિતિ કયારેક અચાનક કાર્ડિયાક અરેસ્ટ અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. 

દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લો

મહિલાઓએ ડોક્ટરની સલાહ બાદ જ પીરિયડ રોકવાની દવા લેવી જોઈએ તેવું હેલ્થ એકસ્પર્ટે જણાવ્યું. મેડિકલ સ્ટોરમાંથી કયારે પણ જાતે દવા લઈ તેનું સેવન ના કરવું. કારણ કે ડોક્ટર ચેકઅપ કર્યા બાદ તેમના શરીરની જરૂરીયાત મુજબ દવાનું સૂચન કરે છે. આ ગોળીઓ તમારા હોર્મોન્સ પર અસર કરે છે. આ ગોળીઓ શરીરમાં હોર્મોન્સના સ્તરને બદલીને કામ કરે છે, જેનાથી માસિક સ્રાવમાં ફેરફાર થાય છે. એટલે સ્વાસ્થ્યને ગંભીર અસર કરતી સામાન્ય લાગતી આ દવાઓ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: