ઘણા લોકોના દિવસની શરૂઆત ગરમાગરમ ચા કે કોફીના કપ વિના અધૂરી હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ 'બેડ ટી' તમારા શરીરની અંદર શું અસર કરે છે? ખાસ કરીને મહિલાઓ માટે સવારે ખાલી પેટે કેફીનનું સેવન હોર્મોનલ અસંતુલનનું મુખ્ય કારણ બની શકે છે. મહિલાઓની હોર્મોન સિસ્ટમ પુરુષોની સરખામણીએ ઘણી વધુ જટિલ અને સંવેદનશીલ હોય છે, જેમાં ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સ મહત્વનો ભાગ ભજવે છે.


કેફીન કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

સવારે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણું શરીર કુદરતી રીતે કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) રિલીઝ કરતું હોય છે. ખાલી પેટે ચા કે કોફી પીવાથી શરીરમાં કેફીનનો તીવ્ર ડોઝ જાય છે, જે કોર્ટિસોલના સ્તરને અસાધારણ રીતે વધારી શકે છે. આના પરિણામે પિરિયડ્સની અનિયમિતતા, થાઈરોઈડની સમસ્યા, અચાનક વજન વધવું અને માનસિક તણાવ જેવી મુશ્કેલીઓ સર્જાય છે.

મહિલાઓ માટે સવારના શ્રેષ્ઠ હેલ્ધી વિકલ્પો

જો તમે તમારા હોર્મોન્સને સ્વસ્થ રાખવા માંગતા હોવ, તો સવારે ખાલી પેટે નીચે મુજબના ડ્રિંક્સ અપનાવવા જોઈએ:

નવશેકું પાણી: આ સૌથી જૂનો અને અસરકારક નુસખો છે. તે શરીરના ઝેરી તત્વો (Detox) બહાર કાઢે છે અને પાચનતંત્રને શાંતિથી સક્રિય કરે છે.

જીરાનું પાણી: ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવા માટે જીરાનું પાણી શ્રેષ્ઠ છે. તે પીસીઓડી (PCOD) જેવી સમસ્યા ધરાવતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.

વરિયાળીનું પાણી: વરિયાળીમાં રહેલા ફાઇટોએસ્ટ્રોજન મહિલાઓના પ્રજનન તંત્રને મજબૂત બનાવે છે અને ચહેરા પર થતા હોર્મોનલ ખીલ (Acne) ઘટાડે છે.

નાળિયેર પાણી: જે મહિલાઓને થાઈરોઈડની તકલીફ હોય, તેમના માટે નાળિયેર પાણીમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ એડ્રિનલ હોર્મોનને સપોર્ટ કરે છે.

જો ચા કે કોફી પીવી જ હોય તો શું કરવું?

નિષ્ણાતો સલાહ આપે છે કે ચા કે કોફીને સાવ છોડી દેવાની જરૂર નથી, પરંતુ તેની રીત બદલવી જરૂરી છે. સવારે ઉઠ્યા પછી સૌ પ્રથમ થોડા પલાળેલા બદામ, અખરોટ અથવા કોઈ ફળ ખાવું જોઈએ. નાસ્તો કર્યાના 30 થી 45 મિનિટ પછી ચા કે કોફી લેવાથી તેની એસિડિક અસર ઓછી થાય છે અને હોર્મોન્સ સુરક્ષિત રહે છે.તમારી સવારની નાની એવી આદતમાં ફેરફાર કરીને તમે લાંબા ગાળે ગંભીર બીમારીઓથી બચી શકો છો.

આ પણ વાંચોઃ ડિજિટલ ઇન્ડિયામાં Apple નો ધડાકો, 2026ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસ



  • Follow us on: