દુનિયામાં કેન્સરના બીમારીઓની સંખ્યા વધી રહી છે. જેને લઈને અનેક સંસોધન હાથ ધરાયા છે. હાલમાં તબીબી વિજ્ઞાનની દુનિયામાં એક એવી ક્રાંતિકારી સફળતા મળી છે જે કેન્સર સામેની લડાઈ અને તેની સારવારની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખશે. વૈજ્ઞાનિકોએ લોહીમાં એક ખાસ '14-પ્રોટીન સિગ્નેચર' (14-Protein Signature) શોધી કાઢ્યું છે, જે ફેફસાના કેન્સરનું સચોટ નિદાન થવાના આશરે ૫.૬ વર્ષ પહેલાં જ તેના જોખમની ચેતવણી આપી શકે છે. આ નવું રક્ત પરીક્ષણ (Blood Test) હાઈ-રિસ્ક ધરાવતા લોકોને સમયસર ઓળખીને લાખો લોકોના જીવન બચાવવાની ક્ષમતા ધરાવે છે. આ સંશોધન દુનિયામાં ફેફસાના દર્દીઓ માટે મોટું જીવતદાન સાબિત થશે.


કેન્સરના જોખમની કરાશે આગાહી, સંશોધન

કેન્સરને લઈને કરાયેલા સંશોધનના અભ્યાસમાં સામે આવ્યું કે વૈજ્ઞાનિકોએ એક અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં  સંશોધકોએ 'યુકે બાયોબેંક' માં નોંધાયેલા ૪૮,૦૦૦ થી વધુ લોકોના લોહીના નમૂના અને હેલ્થ ડેટાનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું. આ વિશ્લેષણમાં લોહીની અંદર ૧૪ એવા પ્રોટીનનું મિશ્રણ જોવા મળ્યું, જે શરીરમાં કેન્સર વિકસિત થવાના વર્ષો પહેલા જ સક્રિય થઈ જાય છે. જ્યારે આ પ્રોટીન સિગ્નેચરને વ્યક્તિની ઉંમર, ધૂમ્રપાનની આદત અને વાયુ પ્રદૂષણના સંપર્ક (Exposure) સાથે જોડવામાં આવ્યું, ત્યારે તે ૫.૬ વર્ષ અગાઉથી જ કેન્સરના જોખમની સચોટ આગાહી કરવામાં સફળ રહ્યું.

ભવિષ્યમાં કેન્સર થવાનું કોને જોખમ તે ઓળખી શકાશે, ડોક્ટર

પ્રખ્યાત ડોક્ટરે જો કે આ સંસોધનને લઈને સ્પષ્ટતા પણ કરી છે. તેમના જણાવ્યા મુજબ આ શોધથી સંપૂર્ણપણે કેન્સરના લક્ષણો ઓળખી શકાય એવું નથી. "આ કોઈ સામાન્ય કેન્સર ડિટેક્શન ટેસ્ટ નથી. તે શરીરમાં રહેલી ગાંઠોને શોધી શકતું નથી, પરંતુ તે એક 'જોખમ-મૂલ્યાંકન સાધન' (Risk-Assessment Tool) છે." તેનો અર્થ એ કે આ ટેસ્ટ એવા લોકોની યાદી તૈયાર કરી આપશે જેમને ભવિષ્યમાં કેન્સર થવાનું સૌથી વધુ જોખમ છે. આ યાદીના આધારે ડોકટરો તે હાઈ-રિસ્ક ધરાવતા લોકો માટે અદ્યતન સ્ક્રીનીંગ અને કેન્સર અટકાવવાના ઉપાયો સમયસર શરૂ કરી શકશે. 

વિશ્વભરમાં કેન્સરના દર્દીઓનું કરાયું પરીક્ષણ

આ ગ્રાઉન્ડબ્રેકિંગ ટેસ્ટને વિશ્વભરમાં ૨,૦૦૦ થી વધુ કેન્સરના કેસોમાં ચકાસીને માન્ય કરવામાં આવ્યો છે. જોકે, ભારતીય હોસ્પિટલો અને લેબોરેટરીઝમાં આ ટેસ્ટ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થાય તે પહેલાં, તેને ભારતીય વસ્તી અને વાતાવરણના આધારે ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર કરવો પડશે. એકવાર મંજૂરી મળ્યા પછી, આ પરીક્ષણ રાષ્ટ્રીય કેન્સર સ્ક્રીનીંગ કાર્યક્રમોનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો બની જશે.

ભારત માટે આ શોધ બનશે વરદાન

એક અહેવાલ મુજબ, આ શોધ ભારત જેવા દેશ માટે કોઈ વરદાનથી ઓછી નથી. ભારતમાં ફેફસાના કેન્સરની સ્થિતિ ચિંતાજનક છે કારણ કે દેશમાં ફેફસાના કેન્સરના આશરે ૮૦ થી ૮૫% કેસ તદ્દન છેલ્લા તબક્કામાં (Last Stage) જાણી શકાય છે, જેના કારણે સારવાર અત્યંત મુશ્કેલ બને છે. પ્રદૂષણને કારણે ભારતમાં ફેફસાના કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. આ ટેસ્ટ માત્ર ધૂમ્રપાન કરનારાઓ (Smokers) માટે જ નહીં, પરંતુ ઝેરી વાયુ પ્રદૂષણ (Particulate Matter) ને કારણે જોખમમાં જીવતા બિન-ધૂમ્રપાન કરનારા લોકો માટે પણ એટલો જ ઉપયોગી સાબિત થશે.

  • Follow us on: