ભારતીયો ચાના શોખીન છે. મોટાભાગના લોકોની સવાર જ ચાથી શરૂ થાય છે. જો કે કેટલાક એવા રસિયા હોય છે જેઓ ગરમા-ગરમ ચા એકઘૂંટે પી જાય છે. સવારના કપમાં બનેલી ગરમ ચાનો પહેલો ઘૂંટડો લેવાની ઉતાવળ ઘણા લોકોને હોય છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, ચા પીવા કરતાં તે કેટલી ગરમ છે તે બાબત વધુ મહત્વની છે. ખૂબ ગરમ ચા પીવાની આદત નુકસાન કરી શકે છે.
અન્નનળીના કેન્સરનું જોખમ
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર, ૬૫°C (65°C) થી વધુ તાપમાન ધરાવતા ગરમ પીણાં વારંવાર પીવાથી ખોરાકની નળી (અન્નનળી) ને નુકસાન થાય છે. ચા પોતે કેન્સરનું કારણ બનતી નથી, પરંતુ તેનું વધુ પડતું ગરમ તાપમાન અન્નનળીના અંદરના નાજુક અસ્તરને વારંવાર બાળીને લાંબા ગાળે કેન્સરનું જોખમ વધારી શકે છે. જેમ ગરમ વસ્તુ આપણી સ્કીન પર પડે છે તો દાઝી જવાય છે તો જયારે ગરમા-ગરમ ચા પીવામાં આવે તો ધીરેધીરે અન્નળીના સ્તરને જરૂર અસર કરે છે. ગરમ ચા અથવા કોફી સતત પીવાથી લાંબા ગાળે અન્નનળીના કેન્સરનું જોખમની સંભાવના વધારે છે.
ગરમ ચા ઓળખવાની સરળ રીત
ચાનું તાપમાન માપવા માટે કોઈ થર્મોમીટરની જરૂર નથી. જો ચાનો પહેલો ઘૂંટડો લેતી વખતે જીભ કે મોંમાં બળતરા થાય અથવા અસ્વસ્થતા અનુભવાય, તો સમજી લેવું કે ચા જરૂર કરતાં વધુ ગરમ છે અને તેને થોડીવાર ઠંડી થવા દેવી જોઈએ. આજકાલ મોટાભાગના લોકો પ્લાસ્ટીક અથવા મગમાં ચા પીવાની આદત છે. ઉતાવળમાં તેઓ ગરમ ચા પી લે છે પરંતુ જીભ દાઝી જતા સ્વાદ જતો રહે છે. એટલે જ તમે જયારે પણ ચા પીવો ત્યારે તેમાંથી થોડી વરાળ જવા દો. પહેલા એક ઘૂંટો પીવો પછી જ ધીરે ધીરે ચા પીવો. આમ, કરવાથી તમે મોટા સ્વાસ્થ્ય જોખમથી બચી શકશો.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ચા પીવાનું સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી, માત્ર તેને કપમાં રેડ્યા પછી થોડી મિનિટો રાહ જુઓ. ચા જ્યારે આરામદાયક તાપમાને આવે ત્યારે જ તેનો આનંદ લો. કેટલાક લોકો વારંવાર ચા ઉકાળે છે પછી પીવે છે. તે પણ સ્વાસ્થય માટે હાનિકારક બને છે. ખૂબ ગરમ ચા અને વધુ પડતી ચાનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બને છે. ચાની વધુ પડતી લતથી એસિડિટી, દાંતની સમસ્યા તેમજ કયારેક પેટમાં બળતરા પણ થાય છે. જો તમને ચાની આદત હોય તો દિવસ દરમિયાન તેમાં એક લિમિટ રાખો.
આ પણ વાંચો : Long Hair: 1 મહિનામાં બમણી ઝડપે લાંબા અને ભરાવદાર થશે વાળ, કરો બસ આ 3 કામ