આંખોની નીચે ડાર્ક સર્કલએ આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં એક અત્યંત સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યામાં આંખોની આસપાસની ત્વચા આજુબાજુની ત્વચા કરતાં વધુ ઘાટી, સૂજી ગયેલી અથવા અંદર ઉતરેલી દેખાય છે. પૂરતી ઊંઘનો અભાવ, સતત થાક, માનસિક તણાવ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ, વધતી ઉંમર અને આનુવંશિક કારણો ઉપરાંત એલર્જી, વારંવાર આંખો ચોળવી, સૂર્યના હાનિકારક કિરણો અને શરીરમાં પાણીની ઉણપ (ડિહાઇડ્રેશન) પણ ડાર્ક સર્કલનું મુખ્ય કારણ બની શકે છે.
કેટલાક લોકોમાં ત્વચા પાતળી થવાથી કે પિગ્મેન્ટેશન વધવાથી આ સમસ્યા વધુ ગંભીર બને છે. જોકે, થોડી કાળજી રાખીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
ડાર્ક સર્કલ ઘટાડવા માટેના અસરકારક ઉપાયો:
પૂરતી ઊંઘ લો: રોજ રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. પૂરતી ઊંઘ થાક અને આંખો નીચેના કાળા ઘેરાવને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ મોબાઈલ કે લેપટોપનો સ્ક્રીન ટાઈમ પણ મર્યાદિત કરો.
કોલ્ડ કોમ્પ્રેસનો ઉપયોગ: આંખો પર થોડીવાર માટે ઠંડી ચમચી અથવા કોલ્ડ પેડ રાખવાથી રક્તવાહિનીઓ સંકોચાય છે, જેનાથી આંખોની આસપાસનો સોજો અને ડાર્ક સર્કલ ઘટે છે.
માથું ઊંચું રાખીને સૂવું: રાત્રે સૂતી વખતે માથા નીચે એક કે બે ઓશિકા રાખવાથી આંખોની આસપાસ પ્રવાહી જમા થતું અટકાવી શકાય છે, જેથી સવારે સોજો ઓછો દેખાય છે.
કાકડીના ટુકડા મૂકો: કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી અને વિટામિન-સી હોય છે. ઠંડી કાકડીની સ્લાઈસ આંખો પર રાખવાથી ત્વચા તાજગી અનુભવે છે અને સોજો ઉતરે છે.
આંખો ચોળવાનું ટાળો: વારંવાર આંખો ઘસવાથી નાની નસોને નુકસાન થઈ શકે છે અને ત્વચા ઘાટી બની શકે છે. તેથી એલર્જી કે ખંજવાળ આવે ત્યારે આંખોને જોરથી મસળવાનું ટાળો.
ડોક્ટરની સલાહ ક્યારે લેવી?
સામાન્ય રીતે ડાર્ક સર્કલ કોઈ મોટી બીમારી નથી, પરંતુ જો સોજો માત્ર એક જ આંખની નીચે સતત રહેતો હોય અથવા ઘરેલુ ઉપાયોથી કોઈ ફરક ન પડે, તો ત્વચારોગ વિજ્ઞાની (ડર્મેટોલોજિસ્ટ) ની સલાહ લેવી આવશ્યક છે. કોઈપણ ક્રીમ કે દવા જાતે વાપરવાને બદલે ડૉક્ટરની દેખરેખ હેઠળ યોગ્ય સારવાર લેવી હિતાવહ છે.
આ પણ વાંચોઃ UP: પ્રયાગરાજમાં પૂરનો કહેર, ગંગા-યમુનાના પાણી ખતરાના નિશાનની ઉપર, જનજીવન પ્રભાવિત