દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેનો ચહેરો સ્વચ્છ, નરમ અને કુદરતી રીતે ચમકતો રહે. આ માટે બજારમાં અસંખ્ય મોંઘી ફેસ ક્રીમ અને સીરમ ઉપલબ્ધ હોય છે, પરંતુ કેમિકલયુક્ત હોવાને કારણે તે ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે. જો તમે કોઈ પણ પ્રકારના આડઅસર વગર ઘરે જ ત્વચાની સંભાળ રાખવા માંગતા હો, તો તમે બહુ જ સરળતાથી ઘરે જ નેચરલ ફેસ સીરમ તૈયાર કરી શકો છો. આ ઘરેલું સીરમ બનાવવા માટે તમારે કોઈ મોંઘી સામગ્રીની નહીં, પરંતુ રસોડામાં કે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય ચીજોની જ જરૂર પડે છે.

ઘરમેડ ફેસ સીરમ બનાવવાની સામગ્રી અને પદ્ધતિ

આ સીરમ બનાવવા માટે બે ચમચી શુદ્ધ એલોવેરા જેલ, બે ચમચી ગુલાબજળ અને એક ચમચી ગ્લિસરીનની જરૂર પડે છે. એલોવેરા જેલ ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે, ગુલાબજળ ત્વચાને તાજગી આપે છે અને ગ્લિસરીન ત્વચામાં લાંબા સમય સુધી ભેજ (મોઈશ્ચર) જાળવી રાખવાનું કામ કરે છે.

આ રીતે બનાવો સીરમ

તેને બનાવવાની રીત પણ સાવ સરળ છે. સૌપ્રથમ એક સ્વચ્છ અને સૂકો બાઉલ લો. તેમાં બે ચમચી એલોવેરા જેલ અને બે ચમચી ગુલાબજળ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી ગ્લિસરીન ઉમેરીને બધી સામગ્રીને એકરસ કરી લો. તમારું કુદરતી હોમમેડ ફેસ સીરમ તૈયાર થઈ જશે. કેટલાક લોકો તેમાં વિટામિન ઇ કેપ્સ્યુલ પણ ઉમેરે છે, પરંતુ દરેક ત્વચાના પ્રકાર માટે તે યોગ્ય ન હોઈ શકે, તેથી નિષ્ણાતની સલાહ વગર તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ હોમમેડ સીરમમાં પ્રિઝર્વેટિવ્સ હોતા નથી, તેથી તેને વધુ દિવસો સુધી સંગ્રહિત ન કરતા તાજું બનાવીને જ ઉપયોગ કરવો હિતાવહ છે.

સાવચેતી અને લગાવવાની સાચી રીત

ચહેરા પર કોઈપણ નવું ઉત્પાદન કે ઘરેલું મિશ્રણ લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. સીરમ લગાવતા પહેલા ચહેરાને ફેસવોશથી સારી રીતે સાફ કરો. ત્યારબાદ હાથ પર થોડું સીરમ લગાવીને ચકાસી લો કે કોઈ એલર્જી કે બળતરા તો થતી નથી ને. જો બધું બરાબર હોય તો જ તેને ચહેરા પર હળવા હાથે લગાવો. આંખોની આસપાસનો નાજુક ભાગ અને તૂટેલી ત્વચા પર આ લગાવવાનું ટાળવું જોઈએ.

યાદ રાખો કે આ સીરમ ત્વચાને મુલાયમ અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે, પરંતુ તે રંગ ગોરો કરવા કે ડાઘ રાતોરાત દૂર કરવાનો દાવો કરતું નથી. ત્વચાની યોગ્ય સંભાળ માટે પૂરતી ઊંઘ લેવી, નિયમિત સનસ્ક્રીન વાપરવું અને હેલ્ધી લાઈફસ્ટાઇલ અપનાવવી પણ એટલી જ જરૂરી છે.

આ પણ વાંચોઃ Bluetooth Safety Tips: ફોનનું બ્લૂટૂથ સતત ચાલુ રાખવું કેટલું જોખમી? જાણો બેટરી અને ડેટા પર થતી અસર