આજના દોડધામભર્યા જીવનમાં અનેક લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવા છતાં સમયના અભાવે કસરત કે યોગ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે દિવસની માત્ર 10 મિનિટનો યોગ પણ તમારા સમગ્ર સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે? પ્રાચીન ભારતની 5,000 વર્ષ જૂની આ વિદ્યા માત્ર શારીરિક આસનો પૂરતી સીમિત નથી, પરંતુ તે શરીર, મન અને આત્માને જોડતી એક શ્રેષ્ઠ પ્રક્રિયા છે.
10 મિનિટના યોગથી થતા શારીરિક અને માનસિક ફાયદા:
તણાવમાં ઘટાડો: આજની વ્યસ્ત જીવનશૈલીમાં માનસિક તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ભ્રામરી પ્રાણાયામ, અનુલોમ-વિલોમ અને ઊંડા શ્વાસ લેવાની ક્રિયા મનને શાંત કરે છે અને તણાવના સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
વજન નિયંત્રણ અને મેટાબોલિઝમ: જંક ફૂડ અને બેઠાડુ જીવનશૈલીને કારણે વધતું વજન ચિંતાનો વિષય છે. યોગ શરીરમાં મેટાબોલિઝમ (ચયાપચય) ને ઝડપી બનાવે છે. ૧૦ મિનિટના આસનો પણ કેલરી બાળવામાં અને પાચનતંત્ર સુધારવામાં મદદરૂપ થાય છે.
ગાઢ અને સારી ઊંઘ: અનિદ્રાની સમસ્યાથી પીડાતા લોકો માટે યોગ રામબાણ ઈલાજ છે. રોજ રાત્રે ૧૦ મિનિટ શવાસન કે ધ્યાનનો અભ્યાસ કરવાથી મન હળવું થાય છે અને રાત્રે ગાઢ ઊંઘ આવે છે.
દિવસભર ઉર્જાનો સંચાર: ઓફિસ કે ઘરના કામ પછી થાક અનુભવવો સામાન્ય છે. તાડાસન, ભુજંગાસન અને સૂર્યનમસ્કાર જેવા આસનો કરવાથી સુસ્તી દૂર થાય છે અને શરીરમાં દિવસભર ઉર્જા જળવાઈ રહે છે.
પાચનતંત્રમાં સુધારો: એસિડિટી, ગેસ અને અપચા જેવી સમસ્યાઓ માટે પવનમુક્તાસન, બાલાસન અને વજ્રાસન ખૂબ અસરકારક છે. આ આસનો પેટના સ્નાયુઓને સક્રિય કરી પાચન શક્તિમાં વધારો કરે છે.
શા માટે 10 મિનિટ પણ પૂરતી છે?
મોટાભાગના લોકો યોગ શરૂ કરવા માટે કલાકો ફાળવવાનું વિચારે છે અને સફળ ન થતા નિરાશ થઈને છોડી દે છે. તેના બદલે, નાના લક્ષ્યો નક્કી કરો. માત્ર ૧૦ મિનિટનો નિયમિત અભ્યાસ લાંબા ગાળે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરને સક્રિય રાખે છે. યોગ માટે કોઈ ઉંમરની મર્યાદા નથી; તે દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ Menopause: 40 પછીની નવી સફર: મેનોપોઝને ગભરાટ નહીં, પણ જાગૃતિ સાથે સ્વીકારો!