આપણા ઘરોમાં રોજ સવાર-સાંજ ચા બને છે, પરંતુ રોજિંદા વપરાશને કારણે ચાની ગળણીના નાના-નાના કાણાં ધીમે-ધીમે બંધ થવા લાગે છે. ચાની પત્તીના ઝીણા કણો, દૂધની મલાઈની પરત અને પાણીમાં રહેલા મિનરલ્સ ગળણીના કાણામાં જમા થઈ જાય છે, જેના લીધે ચા ગળતી વખતે તે સરખી રીતે નીચે નથી ઉતરતી. મોટાભાગના લોકો આવી સ્થિતિમાં નવી ગળણી ખરીદી લે છે, પરંતુ કેટલાક સરળ ઘરેલું ઉપાયોની મદદથી જૂની ગળણીને પણ એકદમ નવી જેવી ચમકાવી શકાય છે.


બેકિંગ સોડા અને વિનેગરનો જાદુ

ગળણી સાફ કરવા માટે આ ઉપાય ખૂબ જ કારગર છે. એક વાસણમાં ગળણી રાખી તેના પર થોડો બેકિંગ સોડા છાંટો. હવે તેના પર સફેદ વિનેગર (સિરકો) રેડો. થોડી જ સેકન્ડોમાં ફીણ બનવા લાગશે, જે કાણામાં જામેલી ગંદકીને ઢીલી કરી દેશે. ૧૦ મિનિટ પછી તેને ગરમ પાણીથી ધોઈ લો, ગંદકી સરળતાથી નીકળી જશે.

ઉકળતું પાણી અને લીંબુનો રસ

જો ગળણી બહુ વધારે જામ થઈ ગઈ હોય, તો તેને થોડી મિનિટો માટે ઉકળતા પાણીમાં મૂકી રાખો. ગરમ પાણી જામેલી પરતને નરમ પાડી દે છે. આ ઉપરાંત, ગળણી પર લીંબુનો રસ લગાવીને થોડીવાર છોડી દેવાથી તેમાં રહેલું નેચરલ એસિડ ચાના જિદ્દી ડાઘ અને ગંદકીને તોડી નાખે છે, સાથે જ તેમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.

ટૂથબ્રશ અને લિક્વિડ ડિશવોશ

ગળણીના ખૂણાઓ અને કાણાંઓમાંથી અટવાયેલી ચાની પત્તી કાઢવા માટે જૂના ટૂથબ્રશ અને વાસણ સાફ કરવાના લિક્વિડનો ઉપયોગ કરો. બ્રશની મદદથી હળવા હાથે ઘસવાથી કાણાં એકદમ સાફ થઈ જશે.

કેટલા દિવસે સાફ કરવી જરૂરી?

એક્સપર્ટ્સના મતે, જો દર અઠવાડિયે અથવા 10 થી 15 દિવસમાં એકવાર ચાની ગળણીની આ રીતે ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવે, તો કાણાં બંધ થવાની સમસ્યા ક્યારેય નહીં થાય. આનાથી ચાનો સ્વાદ પણ જળવાઈ રહેશે અને ગળણી લાંબો સમય ચાલશે.

આ પણ વાંચો:Japan:જાપાનમાં પ્લાસ્ટિક ઉત્પાદનોની ભારે અછત,પેકેજિંગ કલરફૂલમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ બન્યા

  • Follow us on: