લીંબુ અનેક રીતે ઉપયોગી છે. ત્વચાની સંભાળ અને વાળની સમસ્યા માટે લીંબુ એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. જો કે આ લીંબુ રસોડાના ગંદા વાસણોને જોરદાર ચમકાવે છે. આગામી દિવસોમાં તહેવારો સિઝન શરૂ થશે. અને વરસાદી સિઝનના કારણે ઘરમાં થયેલ ગંદકી દૂર કરવા મહિલાઓ લાગી જાય છે. રસોડામાં પણ વારંવાર તળવાના કારણે કઢાઈમાં કાળાશ થવા લાગે છે તો કયારેક રાંધતી વખતે ખોરાક દાઝી જતાં પણ વાસણમાં કાળા ડાઘ પડે છે.
વાસણના ડાઘ દૂર કરશે લીંબુ
કઢાઈ અને તવા પર લાગતા કાળા અને હઠીલા ડાઘ દૂર કરવા બજારના મોંઘા લિકવિડની નથી જરૂર. ત્વચાની ચમક વધારતા લીંબુ વાસણો પરથી પણ ડાઘ દૂર કરી સફેદ દાંત જેવી ચમક લાવશે. વાસણની સફાઈ કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર. લીંબુનો આ રીતે ઉપયોગ કરી તમે રસોડાના વાસણ સાફ કરશો તો નવા જેવા જ લાગશે.
લીંબુનો રસ અને સાથે બેકિંગ સોડા: તમે 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. પછી આ મિશ્રણને બરાબર હલાવી લો. મિશ્રણ એકરસ થાય એટલે તેને વાસણ પર લગાડો અને સ્ક્રબ કરો ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. ઓછી મહેનતે વાસણની સફાઈ થશે. લાંબા સમય સુધી વાસણમાં એકઠી થયેલા ગંદકી દૂર કરવા આ ઉપચાર વધુ અસરકારક સાબિત થશે. લીંબુનો રસ અને સોડાનું મિશ્રણ સફાઈ શક્તિમાં વધારો કરશે.
ઘરગથ્થું ડીશવોશ પેસ્ટ : આ પેસ્ટ બનાવવા 4 મોટા લીંબુ, 4 ટેબલસ્પૂન બેકિંગ સોડા, 2 ટેબલસ્પૂન મીઠું અને 1 લિક્વિડ સાબુની સાથે જરૂરિયાત મુજબ પાણી લેવાનું રહેશે. આ ઘરગથ્થુ પેસ્ટ બનાવવા 4 લીંબુના ટુકડા કરી તેની અંદર રહેલા બીજ કાઢી નાખો. પછી મિક્સરમાં લીંબુના ટુકડા અને થોડું પાણી નાખી એક પેસ્ટ જેવું થાય તે રીતે ક્રશ કરો. ત્યારબાદ આ પેસ્ટમાં બેકિંગ સોડા, મીઠું અને લિક્વિડ ડીશ સોપ નાખી મિક્સ કરો. પછી આ મિશ્રણને એક એરટાઈટ વાસણમાં ભરી રાખો. શકય બને ત્યાં સુધી સારા પ્લાસ્ટીકની વસ્તુમાં તેને ભરવું.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.