સુંદર અને ઘટ્ટ વાળ દરેક સ્ત્રીની ઓળખ હોય છે, પરંતુ જ્યારે કાંસકામાં વાળનું ઘુંચડું નીકળવા લાગે ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે. ઘણીવાર પોષણનો અભાવ અને વધુ પડતી શુષ્કતા (Dryness) ને કારણે વાળ નબળા પડીને તૂટવા લાગે છે. જો તમે મોંઘી પ્રોડક્ટ્સ વાપરીને થાક્યા હોવ, તો રસોડામાં રહેલું એક ફળ એટલે કે કેળું તમારા વાળનું ભાગ્ય બદલી શકે છે.

કેળા અને મધના ફાયદા

કેળામાં પોટેશિયમ, કુદરતી તેલ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળની લવચીકતા વધારે છે અને તેને તૂટતા અટકાવે છે. બીજી તરફ, મધ એક કુદરતી 'હ્યુમેક્ટન્ટ' છે, જે હવામાંથી ભેજ ખેંચીને વાળને હાઇડ્રેટેડ રાખે છે. આ બંનેનું મિશ્રણ વાળને અંદરથી પોષણ આપી કુદરતી ચમક બક્ષે છે.

હેર પેક બનાવવાની રીત

એક સંપૂર્ણ પાકેલું કેળું લો અને તેને સરખી રીતે મેશ કરો ગાંઠો ન રહે તેનું ધ્યાન રાખવું. તેમાં એક મોટી ચમચી શુદ્ધ મધ ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળ (Scalp) થી લઈને છેડા સુધી વ્યવસ્થિત લગાવો. 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. ગંદકીથી બચવા તમે શાવર કેપ પહેરી શકો છો.

ધોવાની સાચી પદ્ધતિ

પેક સુકાઈ જાય એટલે હળવા હાથે માથામાં મસાજ કરો જેથી બ્લડ સર્ક્યુલેશન વધે. ત્યારબાદ વાળને નવશેકા અથવા સામાન્ય પાણીથી સલ્ફેટ-ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરીને ધોઈ લો. ખાસ યાદ રાખો કે વાળ ધોવા માટે વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ ન કરવો, કારણ કે તે વાળની કુદરતી તેલની સુરક્ષા પરતને નુકસાન પહોંચાડે છે. અઠવાડિયામાં એકવાર આ પ્રયોગ કરવાથી વાળ ગૂંચવાતા ઓછા થશે અને તેની ચમક પણ પાછી આવશે.

આ પણ વાંચોઃ Smart buyerની પહેલી પસંદ, જાણો કેમ ઉનાળા કરતા શિયાળામાં AC ખરીદવું છે નફાનો સોદો?