ઘરોમાં સાફ-સફાઈ માટે જે ક્લીનરનો ઉપયોગ થાય છે તે મોટાભાગના લોકો બજારમાંથી ખરીદીને લાવે છે. માર્કેટમાં મળતા ક્લીનરથી ડાઘ-ધબ્બા તો સાફ થઈ જાય છે પરંતુ ઘરમાં અને બાથરૂમમાં એક અજીબ ગંધ આવવા લાગે છે જે ઘણા દિવસો સુધી પરેશાન કરે છે. જો તમને પણ આવી સ્મેલ (ગંધ) થી પરેશાની થતી હોય તો ઘરમાં એક સુગંધિત બાથરૂમ ક્લીનર બનાવી શકો છો. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર પણ નહીં પડે, માત્ર સંતરાની છાલથી આ ક્લીનરને તૈયાર કરી શકાય છે. આનાથી બાથરૂમ, કાચ, ફ્લોર કે સ્લેબ તમે કોઈપણ ખૂણો સાફ કરી શકો છો. ચાલો જાણીએ ઘરમાં ક્લીનર બનાવવાની રીત.
ઘરમાં ક્લીનર લિક્વિડ કેવી રીતે બનાવવું?
આ માટે તમારે એક કાચની બરણી (જાર) લેવાની છે તેમાં સંતરાની છાલ નાખી દો. હવે તેમાં સફેદ વિનેગર (સરકો) નાખી દો. વિનેગર એટલું હોવું જોઈએ જેનાથી બધી છાલ ડૂબી જાય. હવે જારને બંધ કરી દો અને તેને 2-3 વાર સારી રીતે હલાવો. બે અઠવાડિયા માટે આ જારને કોઈ ગરમ જગ્યા પર રાખી દો. સમય પૂરો થયા પછી આને ગાળીને કોઈ સ્પ્રે બોટલમાં ભરી લો. તમે ઈચ્છો તો આમાં 1-2 ટીપાં કોઈ લિક્વિડ સોપ પણ નાખી શકો છો. બધી વસ્તુઓને ભેળવીને સારી રીતે હલાવો અને તૈયાર છે તમારું એકદમ સુગંધિત નેચરલ ક્લીનર.













