આજકાલ સફેદ ખાંડને 'સફેદ ઝેર' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વધુ પડતી ખાંડનું સેવન કરવાથી ફેટી લિવર અને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી જ લોકો હવે ખાંડના વિકલ્પ તરીકે કુદરતી ઘટકો અને સ્વીટનર્સ તરફ વળી રહ્યા છે. આ બધામાં 'મોન્ક ફ્રૂટ' (Monk Fruit) ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. બજારમાં તેનો પ્રચાર કુદરતી, શૂન્ય-કેલરી અને બ્લડ સુગર માટે ઉત્તમ વિકલ્પ તરીકે કરવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે શું તે ખરેખર ખાંડ કરતા વધુ સારું છે કે પછી માત્ર એક મોંઘું ઉત્પાદન છે?
મોન્ક ફ્રૂટ દક્ષિણ ચીનનું
મોન્ક ફ્રૂટ એ મૂળ દક્ષિણ ચીનમાં જોવા મળતું ફળ છે, જેને 'લુઓ હાન ગુઓ' પણ કહે છે. તેના અર્કમાં 'મોગ્રોસાઇડ્સ' નામના સંયોજનો હોય છે, જે ખાંડ કરતાં અનેક ગણી વધુ મીઠાશ આપે છે. ડાયેટિશિયન શિખા સિંહના જણાવ્યા અનુસાર, મોન્ક ફ્રૂટ એક બિન-પોષક સ્વીટનર છે, જેનો ઉપયોગ માત્ર મીઠાશ માટે થાય છે તે કોઈ નોંધપાત્ર વિટામિન કે ખનિજો પ્રદાન કરતું નથી.
"ઝીરો સુગર" લેબલનો અર્થ હંમેશાં શૂન્ય કેલરી હોતો નથી
પેકેજ પર લખેલા "ઝીરો સુગર" લેબલનો અર્થ હંમેશાં શૂન્ય કેલરી હોતો નથી. ઘણા વ્યાપારી સ્વીટનર્સ માત્ર મોન્ક ફ્રૂટના અર્કથી બનતા નથી, પરંતુ તેમાં એરિથ્રિટોલ, ડેક્સ્ટ્રોઝ કે અન્ય ફિલર્સ પણ ઉમેરવામાં આવે છે. તેથી, ખરીદી કરતી વખતે પેકેજ પાછળના ઘટકોની સૂચિ અવશ્ય વાંચવી જોઈએ.
યોગ્ય આહાર અને કસરત પણ જરૂરી
વજન ઘટાડવાની બાબતમાં, મોન્ક ફ્રૂટ સીધો ફાળો આપતું નથી. હા, ચા કે કોફીમાં ખાંડને બદલે ઓછી કેલરીવાળા વિકલ્પનો ઉપયોગ કરવાથી દૈનિક કેલરી ઘટી શકે છે, પરંતુ તેના માટે યોગ્ય આહાર અને કસરત પણ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે નિયમિત ખાંડની જેમ બ્લડ સુગર ઝડપથી વધારતું નથી, પરંતુ પ્રોડક્ટમાં રહેલા અન્ય ઘટકો (જેમ કે માલ્ટોડેક્સ્ટ્રિન) શુગર વધારી શકે છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે.
આડ અસર પણ થાય
આડઅસરોની વાત કરીએ તો, કેટલાક લોકોમાં તેનાથી ગેસ, પેટનું ફૂલવું કે ખેાંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડૉક્ટરોના મતે, લાંબા ગાળાના સેવન અંગે હજુ મર્યાદિત અભ્યાસો ઉપલબ્ધ છે, તેથી બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ વિશેષ જરૂરિયાત વિના તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
આ પણ વાંચોઃ યોગા કે કસરત કરવાનો સૌથી બેસ્ટ ટાઇમ કયો અને કેમ?