ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય અને ઠંડકનો અનુભવ થાય છે, પરંતુ તેની સાથે ઘરના ખૂણે-ખૂણે ભીનાશ અને એક અજીબ દુર્ગંધ પણ લઈને આવે છે. આ ભીનાશ માત્ર ઘરના વાતાવરણને જ નહીં, પરંતુ સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. જો તમે પણ ચોમાસામાં ઘરની ભીનાશથી પરેશાન હોવ, તો કેટલીક સરળ અને અસરકારક પદ્ધતિઓ અપનાવીને તમે તમારા ઘરને ફરીથી તાજગીભર્યું બનાવી શકો છો.


ભીનાશનું મૂળ કારણ તપાસો

સૌ પ્રથમ, ભીનાશનું મૂળ કારણ તપાસવું ખૂબ જરૂરી છે. ઘણીવાર દિવાલોમાં લીકેજ, પ્લમ્બિંગમાં ખામી કે અપૂરતા વેન્ટિલેશનને કારણે ઘરમાં ભેજ એકઠો થાય છે. જો લીકેજની સમસ્યા હોય, તો તેને તાત્કાલિક રીપેર કરાવો અને અસરગ્રસ્ત દિવાલો પર વોટરપ્રૂફ પેઇન્ટનો ઉપયોગ કરો. તિરાડોને સિમેન્ટથી સીલ કરવી એ કાયમી ઉકેલ છે.

ઘરમાં વેન્ટિલેશન પ્રોપર જોવો

બીજું સૌથી મહત્વનું પગલું છે 'વેન્ટિલેશન'. ભલે બહાર વરસાદ પડતો હોય, પરંતુ જ્યારે પણ તક મળે ત્યારે બારીઓ ખોલો જેથી ઘરમાં હવાની અવરજવર જળવાઈ રહે. ક્રોસ-વેન્ટિલેશન ભેજને દૂર રાખવામાં રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત, ચોમાસામાં કપડાં અને પથારી જલ્દી સુકાતા નથી, જેનાથી દુર્ગંધ આવે છે. શક્ય હોય ત્યારે કપડાંને પંખા નીચે કે આછા સૂર્યપ્રકાશમાં જરૂરથી સુકવો.

બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉત્તમ

ઘરને સુગંધિત રાખવા માટે તમે રસોડાની કેટલીક વસ્તુઓનો જાદુઈ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડા અને લીંબુનો રસ આ માટે ઉત્તમ છે. ઘરના ફ્લોરને સાફ કરવા માટે પાણીમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉમેરો. તે બેક્ટેરિયાનો નાશ કરશે અને લીંબુની તાજી સુગંધ ઘરને મહેકાવશે. આ ઉપરાંત, 'એક્ટિવેટેડ ચારકોલ' (સક્રિય કોલસો) પણ ભેજ શોષવામાં અદ્ભુત કામ કરે છે. તેના નાના પાઉચ બનાવીને ઘરના ખૂણે-ખૂણે મૂકી દો. તે ગંધ અને ભેજને શોષી લેશે. સમયાંતરે આ પાઉચને તડકામાં રાખવાથી તે ફરીથી રિચાર્જ થઈ જશે.

જરૂર પૂરતો સામાન જ રાખો

આ ઉપાયો ઉપરાંત, ઘરમાં જરૂરિયાત કરતા વધુ સામાન એકઠો ન કરો, કારણ કે ભંગાર કે બિનજરૂરી વસ્તુઓ ભેજને જકડી રાખે છે. જો તમે થોડી સાવચેતી અને આ નાની-નાની ટિપ્સ અપનાવશો, તો ચોમાસામાં પણ તમારું ઘર એકદમ ચોખ્ખું, સ્વસ્થ અને સુગંધિત રહેશે. ભીનાશ અને દુર્ગંધને વિદાય આપો અને આ ચોમાસામાં તમારા ઘરની તાજગીનો આનંદ માણો!

આ પણ વાંચોઃ 30 જૂનથી શરૂ થશે ' Kailash Mansarovar Yatra', યાત્રાળુઓ માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા અને નિયમો



  • Follow us on: