સામાન્ય રીતે આપણે સરગવાને પૌષ્ટિક શાકભાજી તરીકે જ ઓળખીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ત્વચા માટે તે કોઈ અમૃતથી ઓછું નથી? જો તમે મોંઘી અને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સથી કંટાળી ગયા હોવ, તો મોરિંગા એટલે કે સરગવો તમારી ત્વચા માટે શ્રેષ્ઠ કુદરતી ઉપાય સાબિત થઈ શકે છે. તે માત્ર ખાવાથી જ નહીં, પણ ચહેરા પર લગાવવાથી ત્વચામાં કસાવ લાવે છે અને કુદરતી ગ્લો આપે છે.

પોષક તત્વોનો ભંડાર

મોરિંગાના પાંદડા પોષક તત્વોનો ખજાનો છે. પબમેડના અહેવાલ અનુસાર, તેમાં ફેટી એસિડ્સ, વિટામિન-સી, ફ્લેવોનોઈડ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા અનેક બાયોએક્ટિવ સંયોજનો હોય છે. આ તત્વો ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે, જે ઝીણી રેખાઓ, કરચલીઓ અને વધતી ઉંમરના ચિહ્નોને ઘટાડે છે.

ત્વચા માટેના અગણિત ફાયદા

ખીલ અને ડાઘ-ધબ્બા: તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ખીલ સામે લડે છે અને ત્વચા પરના કાળા ડાઘ દૂર કરે છે.

કરચલીઓથી મુક્તિ: તે એન્ટી-એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જેનાથી ત્વચા લાંબા સમય સુધી જવાન અને કડક રહે છે.

ચેપથી રક્ષણ: ત્વચાના ચેપને અટકાવવામાં અને કોઈપણ નાના ઘાને ઝડપથી મટાડવામાં તે અત્યંત અસરકારક છે.

ઘરે કેવી રીતે બનાવશો મોરિંગા ફેસપેક?

જરૂરી સામગ્રી:

1 ચમચી મોરિંગા પાનનો પાવડર (અથવા તાજા પાંદડાની પેસ્ટ)

1 ચમચી શુદ્ધ મધ

જરૂર મુજબ ગુલાબજળ

થોડા ટીપાં લીંબુનો રસ (સંવેદનશીલ ત્વચા હોય તો ટાળવું)

1 ચમચી એલોવેરા જેલ (જો ત્વચા વધુ શુષ્ક હોય તો)

બનાવવાની રીત:

એક નાના બાઉલમાં મોરિંગા પાવડર લો. તેમાં મધ, ગુલાબજળ અને લીંબુનો રસ ઉમેરીને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. જો તમારી ત્વચા ડ્રાય રહેતી હોય તો તેમાં એલોવેરા જેલ પણ ઉમેરી શકાય છે.

ઉપયોગ કરવાની સાચી રીત:

સૌ પ્રથમ તમારા ચહેરાને હળવા ફેસવોશથી સાફ કરો. ત્યારબાદ આ ફેસપેકનો એક પાતળો પડ ચહેરા અને ગરદન પર લગાવો. તેને ૧૫ થી ૨૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. અંતે ચહેરા પર સારું મોઈશ્ચરાઈઝર લગાવો. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં ૨ થી ૩ વાર આ પ્રયોગ કરી શકાય છે.

ખાસ નોંધ: કોઈ પણ નવો પ્રયોગ કરતા પહેલા કાનની પાછળ કે કોણી પર પેચ ટેસ્ટ જરૂર કરો. જો બળતરા થાય તો આ પેકનો ઉપયોગ કરશો નહીં.

આ પણ વાંચોઃ Weight Loss: આ ડ્રાયફ્રૂટ વેઇટ લોસ માટે છે બેસ્ટ, જાણી લો કેવી રીતે ?