ન્યૂઝીલેન્ડમાં કામ કરતી એક ભારતીય મહિલાનો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો રજા માંગવાનો અનુભવ હાલ ખૂબ જ ચર્ચામાં છે. સામાન્ય રીતે, ભારતમાં કર્મચારીઓ માટે લાંબી રજા લેવી એ એક પડકારજનક અને તણાવપૂર્ણ કામ માનવામાં આવે છે. રજા માંગતી વખતે બોસ કેવો પ્રતિસાદ આપશે, રજા મંજૂર થશે કે નહીં અને બાકી રહેલા કામનું શું થશે તેની સતત ચિંતા કર્મચારીઓને સતાવતી હોય છે. પરંતુ, ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલી નિષ્ઠા ચૌધરી નામની ભારતીય યુવતીનો અનુભવ આનાથી સાવ વિપરીત અને અત્યંત સુખદ રહ્યો હતો.
નિષ્ઠાએ વર્ક બેલેન્સની કરી વાત
નિષ્ઠાએ પોતાના વાયરલ વીડિયોમાં જણાવ્યું કે તેણે પોતાની બહેન સાથે પ્રવાસ પર જવા માટે પોતાની ઓફિસમાં આઠ દિવસની રજા માંગી હતી. જ્યારે તેણે પોતાના મેનેજર સમક્ષ રજાની માંગણી કરી, ત્યારે મેનેજરે માત્ર એટલું જ પૂછ્યું કે તે ક્યાં ફરવા જઈ રહી છે. પ્રવાસ વિશે જાણ્યા બાદ, મેનેજરે કોઈપણ પ્રકારની આનાકાની કર્યા વિના ખુશીથી રજા મંજૂર કરી દીધી અને તેને યાત્રાનો પૂરો આનંદ માણવાની શુભેચ્છા પણ પાઠવી. નિષ્ઠાને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે મેનેજરે રજાનું ચોક્કસ કારણ કે તેના કામના ભારણ વિશે કોઈ જ બિનજરૂરી પૂછપરછ કરી ન હતી.
https://www.instagram.com/reel/DcQOxPWpLuU/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==
બંને બહેનને મળ્યો સકારાત્મક આન્સર
આવી જ રીતે, નિષ્ઠાની બહેને પણ પોતાની કંપનીમાં રજા માટે અરજી કરી હતી, અને તેને પણ બિલકુલ આવો જ સકારાત્મક અનુભવ થયો. તેની બહેનના મેનેજરે પણ જણાવ્યું કે હાલમાં ઓફિસમાં કામનું ભારણ ઓછું છે, તેથી તે આરામથી રજા માણી શકે છે. જ્યારે બંને બહેનોએ આ વાત ભારતમાં રહેતા તેમના પરિવારજનો અને સંબંધીઓને જણાવી, ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે તેમના જ પરિવારના એક સભ્યને ભારતમાં એક મોટી કંપનીમાં નોકરી શરૂ કર્યા બાદ એક પણ રજા મળી ન હતી, અને ઘણીવાર રવિવારે પણ કામ કરવું પડતું હતું.
આ ઘટના માત્ર એક રજાની નથી, પરંતુ તે કંપનીના વર્ક-લાઇફ બેલેન્સ અને કર્મચારીઓના અંગત જીવન પ્રત્યેના સન્માનને સ્પષ્ટપણે દર્શાવે છે. નિષ્ઠાના મતે, ન્યૂઝીલેન્ડમાં માંદગી, ગ્રેજ્યુએશન કે કોઈ મિત્રની પાર્ટી જેવી અંગત જરૂરિયાતો માટે પણ સહેલાઈથી રજા મળે છે. ત્યાંની કાર્ય સંસ્કૃતિ માને છે કે દરેક કર્મચારીનું પોતાનું અંગત જીવન પણ હોય છે.
ન્યુઝીલેન્ડની કાર્ય સંસ્કૃતિના થઇ રહ્યા છે વખાણ
નિષ્ઠાનો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ન્યૂઝીલેન્ડની કાર્ય સંસ્કૃતિના ખૂબ વખાણ કર્યા છે. ઘણા લોકોએ મજાકમાં કહ્યું કે ભારતમાં રજા માંગવી એ જાણે ફરીથી ઇન્ટરવ્યુ આપવા જેવું લાગે છે. આ ચર્ચાએ સાબિત કર્યું છે કે સારી વર્ક કલ્ચર માત્ર મોટા પગાર કે આલીશાન ઓફિસથી નહીં, પરંતુ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમના અંગત જીવનને અપાતા મહત્વથી બને છે. દરેક કંપનીમાં આવું સંતુલન હોવું જોઈએ.
આ પણ વાંચોઃ રક્ષાબંધન પર ભાઇ માટે બનાવે ટ્રેડિશન રાજસ્થાની ઘેવર