અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે અસાધારણ ધાર્મિક ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળે છે.  પુરી પછી અમદાવાદની આ રથયાત્રા ભારતભરમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે, જે સવારે જમાલપુર મંદિરથી શરૂ થાય છે. આ યાત્રા દરમિયાન ભગવાન નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપે છે, જેમાં શણગારેલા હાથીઓ, અખાડા, ભજન મંડળીઓ અને લાખો ભક્તો જોડાય છે. રથયાત્રાના મહોત્સવમાં ભગવાનને મગ, જાંબુ અને ખાસ કરીને દેશી ઘીમાંથી બનેલા માલપુઆનો પરંપરાગત મહાપ્રસાદ ચડાવવામાં આવે છે. રથયાત્રા નિમિત્તે ઘરે બનાવો ભગવાન જગન્નાથનો મનપસંદ મહાપ્રસાદ, આ રહી સોફ્ટ માલપુઆ બનાવવાની પરફેક્ટ રીત.

માલપુઆની રેસીપી જરૂરી સામગ્રી:

  • ખીરા માટે: ૧ કપ મેંદો (અથવા ઘઉંનો લોટ),
  • ૧/૪ કપ રવો (સુજી),
  • ૧/૨ કપ માવો (મોળો મોળો માવો),
  • ૧ ચમચી વરિયાળી (અધકચરી પીસેલી),
  • ૧/૨ ચમચી એલચી પાવડર અને લોટ બાંધવા માટે દૂધ.
  • ચાસણી માટે: ૧ કપ ખાંડ, ૧/૨ કપ પાણી, થોડા કેસરના તાંતણા અને એલચી.
  • તળવા માટે: શુદ્ધ દેશી ઘી

માલપુઆ બનાવવાની પરફેક્ટ રીત: 

એક વાસણમાં માવાને બરાબર મસળી લો. હવે તેમાં મેંદો, રવો, વરિયાળી અને એલચી પાવડર મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ થોડું-થોડું દૂધ ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. આ ખીરાને ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકીને સેટ થવા દો. ચાસણી બનાવવા માટે એક તપેલીમાં ખાંડ અને પાણી મિક્સ કરી ઉકાળો. તેમાં કેસર અને એલચી ઉમેરો. કોઈ તારની ચાસણી નથી બનાવવાની, બસ ગુલાબજાંબુ જેવી ચીકણી ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી દો. એક પહોળી કઢાઈમાં દેશી ઘી ગરમ કરો. ઘી મધ્યમ ગરમ થાય એટલે ચમચાની મદદથી ખીરું બરાબર વચ્ચે રેડો (તે આપમેળે ગોળ આકાર લેશે). બંને બાજુથી હળવા ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા આંચે તળી લો. તળેલા ગરમ-ગરમ માલપુઆને ઘીમાંથી નિતારીને સીધા નવશેકી ગરમ ચાસણીમાં ૨ મિનિટ માટે ડુબાડી રાખો. તમારા સોફ્ટ અને ટેસ્ટી માલપુઆ તૈયાર છે! તેને પિસ્તા-બદામની કતરણથી ગાર્નિશ કરીને રથયાત્રાના પ્રસાદ તરીકે ગરમાગરમ સર્વ કરો.