ઘણીવાર આપણે જોયું છે કે મહિનો પૂરો થતાં-થતાં આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ગાયબ થઈ જાય છે. કેટલાક લોકોની સ્થિતિ તો 15 દિવસમાં જ ખરાબ થઈ જાય છે અને પછી તેઓ વિચારવા લાગે છે કે હજુ અડધો મહિનો પણ નથી થયો ને બધા પૈસા ગયા ક્યાં? દિલ્હીના રહેવાસી 26 વર્ષના રાહુલની વાર્તા પણ કંઈક આવી જ હતી. રાહુલ દિલ્હીની એક જાણીતી આઈટી (IT) કંપનીમાં કામ કરે છે અને તેનો પગાર ઘણો સારો છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી તેની એક જ રાડ હતી - મહિનાના છેલ્લા અઠવાડિયામાં ખિસ્સું ખાલી! આખરે, તેણે નક્કી કર્યું કે આ વખતે તે ગાયબ થતા પૈસાનો હિસાબ રાખશે.
રાહુલે આખા એક મહિના સુધી પોતાના દરેક નાના-મોટા ખર્ચ ડાયરીમાં લખવાનું શરૂ કર્યું. 30 દિવસ પછી જ્યારે તેણે પોતાના ખર્ચનો 'કાચો ચિઠ્ઠો' જોયો તો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો.
નાના ખર્ચ બન્યા સૌથી મોટા વિલન
રાહુલે જણાવ્યું કે, "મને લાગતું હતું કે મારો સૌથી મોટો ખર્ચ ઘરનું ભાડું, વીજળીનું બિલ અને વીકએન્ડની પાર્ટીઓ છે. પરંતુ જ્યારે મેં ડાયરી જોઈ, ત્યારે અસલી વિલન કંઈક અલગ જ નીકળ્યા." રાહુલના મતે, ઓફિસની નીચે રોજ બે વાર પીવાતી 20-30 રૂપિયાની ચા અને તેની સાથે સમોસા કે બિસ્કિટનો ખર્ચ મહિનાના અંતે આશરે 2,000 રૂપિયા થઈ રહ્યો હતો. આ સિવાય, 'આજે થાકી ગયો છું, ઓટો કે કેબ કરી લઉં' એવી આદતે તેના બજેટ પર દર મહિને 3,500 રૂપિયાનો મોટો ફટકો માર્યો હતો.
ઓટીટી સબસ્ક્રિપ્શન અને ઓનલાઈન શોપિંગનો ફાંસો
આપણે ઘણીવાર 199, 299 કે 499 રૂપિયાના ઓનલાઈન સબસ્ક્રિપ્શનને બહુ નાનો ખર્ચ ગણીએ છીએ. રાહુલે નોંધ્યું કે તેના ફોનમાં 4 એવી એપ્સના સબસ્ક્રિપ્શન હતા, જે તે મહિનામાં એકવાર પણ ખોલતો નહોતો. વળી, ફ્રી ડિલિવરીના ચક્કરમાં વગર વિચારે ઓનલાઈન શોપિંગ કરવાની આદતે પણ હજારો રૂપિયા પાણીમાં વહાવી દીધા હતા.
ખર્ચ લખવાની આદતે શું બદલ્યું?
આ પ્રયોગ પછી રાહુરે નકામા સબસ્ક્રિપ્શન બંધ કર્યા, ટૂંકા અંતર માટે કેબને બદલે મેટ્રો અથવા ચાલવાનું શરૂ કર્યું અને બહારથી ખોરાક મંગાવવાની આદત ઘટાડી. પરિણામે મહિનાના અંતે તેના ખિસ્સામાં 10,000 થી 15,000 રૂપિયા વધારાના બચવા લાગ્યા. જો તમે પણ 1 તારીખથી તમારા ખિસ્સાની હાલત સુધારવા માંગતા હોવ, તો બસ એક પેન અને ડાયરી ઉઠાવો અને 10 રૂપિયાની પાણીની બોટલથી લઈને 2000 ના કપડા સુધીનો દરેક ખર્ચ લખવાનું શરૂ કરો.
આ પણ વાંચો:FIFA World Cup Day 13 Result: ઈંગ્લેન્ડની મેચ ડ્રો, ક્રોએશિયાની જીત, કોલંબિયા નોકઆઉટમાં પહોંચ્યું