આજના વ્યસ્ત જીવનમાં આપણે ચહેરાની સંભાળ તો રાખીએ છીએ, પરંતુ ઘણીવાર ગરદનની સ્વચ્છતા તરફ દુર્લભ સેવીએ છીએ. ઉનાળામાં તીવ્ર તડકો, પ્રદૂષણ અને પરસેવાને કારણે ગરદનના પાછળના ભાગમાં ટેનિંગ, ગંદકી અને મૃત ત્વચાનો જમાવડો થાય છે, જેને લીધે તે ભાગ શરીરના બાકીના અંગો કરતા કાળો દેખાવા લાગે છે. આ સમસ્યા માત્ર દેખાવને જ નહીં, પરંતુ તમારો આત્મવિશ્વાસ પણ ઘટાડી શકે છે. અહીં કેટલાક સરળ ઘરેલું ઉપાયો છે, જેના નિયમિત ઉપયોગથી તમે તમારી ગરદનને ચમકદાર બનાવી શકો છો.
લીંબુ અને મધ: લીંબુમાં રહેલા કુદરતી બ્લીચિંગ ગુણધર્મો અને મધનું પોષણ ત્વચા માટે ઉત્તમ છે. એક ચમચી મધમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો અને 20 મિનિટ સુધી ગરદન પર લગાવો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આનો ઉપયોગ કરવાથી ટેનિંગ દૂર થશે.
દહીં અને ચણાનો લોટ: દહીંમાં રહેલું લેક્ટિક એસિડ અને ચણાનો લોટ કુદરતી સ્ક્રબનું કામ કરે છે. બંનેની ઘટ્ટ પેસ્ટ બનાવી ગરદન પર લગાવો. 20 મિનિટ બાદ હળવા હાથે સ્ક્રબ કરીને સાફ કરી લો. આનાથી મૃત ત્વચા દૂર થશે અને ત્વચા નરમ બનશે.
બટાકાનો રસ: બટાકામાં રહેલા એન્ઝાઇમ ડાઘા દૂર કરવામાં મદદરૂપ થાય છે. બટાકાનો રસ કાઢીને કોટન બોલથી ગરદન પર લગાવો અને 15 મિનિટ બાદ પાણીથી સાફ કરો.
એલોવેરા અને કાકડી: એલોવેરા જેલ ત્વચાને હાઇડ્રેટ રાખે છે, જ્યારે કાકડીનો રસ અને ગુલાબજળ ત્વચાને ઠંડક આપે છે. ઉનાળામાં આ મિશ્રણ લગાવવાથી ગરદનની ત્વચા તાજગીભરી રહે છે.
ખાસ નોંધ: જો ગરદનનો કાળો રંગ અચાનક વધી જાય, જાડો થઈ જાય અથવા ખંજવાળ આવે, તો તે ડાયાબિટીસ કે હોર્મોનલ સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. આવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં અને ગરદનને નિયમિતપણે સાફ કરતા રહો, જેથી લાંબા ગાળે તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બની રહે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )