ચહેરા કે ત્વચા પર કાળા ડાઘ (પિગમેન્ટેશન) થવા એ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા મુખ્યત્વે ત્વચામાં રહેલા મેલાનિન નામના રંગદ્રવ્યના વધુ પડતા ઉત્પાદન અથવા એકઠા થવાને કારણે થાય છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, તેનું સૌથી મુખ્ય કારણ સૂર્યપ્રકાશ છે. સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો મેલાનિનનું ઉત્પાદન વધારે છે, જેનાથી ચહેરા, કપાળ, ગાલ અને હાથ પર કાળા ડાઘ પડી જાય છે.
ત્વચા પર પિગમેન્ટેશન થવાના કારણો
માત્ર સૂર્યપ્રકાશ જ નહીં, પરંતુ શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો, ગર્ભાવસ્થા, થાઇરોઇડની તકલીફ, નબળી જીવનશૈલી, વૃદ્ધત્વ, આનુવંશિક કારણો અને કેટલીક દવાઓની આડઅસરને લીધે પણ પિગમેન્ટેશન થઈ શકે છે. આ સિવાય, ખીલ, વાગવાથી થયેલી ઈજા કે બળતરા મટ્યા પછી પણ ત્વચા પર કાળા નિશાન રહી જાય છે.
સૂર્યપ્રકાશથી ત્વચાનું રક્ષણ કેવી રીતે કરવું?
ડાઘ-ધબ્બાથી બચવા માટે ત્વચાને તડકાથી બચાવવી ખૂબ જ જરૂરી છે. ઘરની બહાર નીકળવાના 15 થી 20મિનિટ પહેલાં SPF 30 કે તેથી વધુ ક્ષમતા ધરાવતું સનસ્ક્રીન ચોક્કસ લગાવો. જો તમે લાંબો સમય તડકામાં રહો છો, તો દર 2 થી 3 કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવવું જોઈએ. આ ઉપરાંત, કડક તડકામાં બહાર જતી વખતે છત્રી, વાઈડ-બ્રિમ ટોપી અને સનગ્લાસનો ઉપયોગ કરવો હિતાવહ છે.
સ્કિન કેર અને કેમિકલ પ્રોડક્ટ્સ અંગે સાવચેતી
ત્વચાને નિયમિત રીતે સાફ રાખવી અને યોગ્ય મોઇશ્ચરાઇઝરથી ભેજ જાળવી રાખવો જરૂરી છે. જોકે, ડૉક્ટરની સલાહ લીધા વિના બજારમાં મળતી કોઈપણ ફેરનેસ ક્રીમ, સ્ટીરોઈડ ક્રીમ કે રાસાયણિક (Chemical) પ્રોડક્ટ્સનો ઉપયોગ ક્યારેય કરવો નહીં, કારણ કે તેનાથી ત્વચાને કાયમી નુકસાન થઈ શકે છે.
હોમ રેમેડીઝમાં ન કરો આ ભૂલો
ઘણા લોકો કાળા ડાઘ દૂર કરવા માટે ચહેરા પર લીંબુ કે અન્ય એસિડિક પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે. આવી વસ્તુઓ સીધી ત્વચા પર લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચામાં બળતરા થઈ શકે છે અને પિગમેન્ટેશન ઘટવાને બદલે વધી શકે છે.
ત્વચારોગ વિજ્ઞાની (Dermatologist) ની સલાહ ક્યારે લેવી?
જો તમારા ચહેરા પરના ડાઘ ઝડપથી વધી રહ્યા હોય અથવા લાંબા સમય સુધી દૂર ન થતા હોય, તો ઘરગથ્થુ પ્રયોગો કરવાને બદલે ત્વચારોગ વિજ્ઞાની (Dermatologist) સંપર્ક કરવો જોઈએ. સમસ્યાનું સાચું કારણ સમયસર ઓળખીને જો યોગ્ય સારવાર કરવામાં આવે, તો પિગમેન્ટેશનની સમસ્યા પર સરળતાથી નિયંત્રણ મેળવી શકાય છે.
આ પણ વાંચો : Broom Buying Tips: ધનતેરસ પર નવી સાવરણી ખરીદવી છે? પરફેક્ટ ક્વોલિટી ચકાસવાની જાણો રીત
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )