ઉનાળાના દિવસોમાં પરસેવો અને હવામાં રહેલો ભેજ માથાની ત્વચામાં કુદરતી તેલ એટલે કે સીબુમનું ઉત્પાદન વધારી દે છે. પરિણામે, શેમ્પૂ કર્યાના બીજા જ દિવસે વાળ ચીકણા અને ફ્લેટ દેખાવા લાગે છે. દરરોજ શેમ્પૂ કરવું વાળના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં, નીચે મુજબની પદ્ધતિઓ અપનાવીને તમે તમારા વાળને ધોયા વિના પણ તાજા રાખી શકો છો.
1. બ્લોટિંગ પેપર અથવા ટીશ્યુનો ઉપયોગ
ઘણીવાર વાળના છેડા સારા હોય છે, પરંતુ મૂળ પાસે તેલ જમા થવાને કારણે વાળ ગંદા દેખાય છે. જો તમારી પાસે સમય ઓછો હોય, તો ફેસ બ્લોટિંગ પેપર અથવા સાદા ટીશ્યુ પેપર લો અને તેને માથાની ચામડી પર હળવેથી દબાવો. આ પેપર વધારાનું તેલ શોષી લેશે અને વાળને તરત જ નોન-સ્ટીકી લુક આપશે.
2. નેચરલ હેર મિસ્ટ (Hair Mist)
તમે ઘરે જ કુદરતી હેર મિસ્ટ બનાવી શકો છો. એક કપ ગુલાબજળમાં ૧૦-૧૫ ફુદીનાના પાનનો ભૂકો અને કોઈ પણ એસેન્શિયલ ઓઈલના ૨-૩ ટીપાં ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિસ્ટને વાળ પર સ્પ્રે કરવાથી દુર્ગંધ દૂર થાય છે અને વાળમાં કુદરતી તેજ આવે છે.
3. હેર પાર્ટિશન બદલો (Change Hair Parting)
આ સૌથી સરળ અને ઝડપી રીત છે. જો તમે હંમેશા વચ્ચેથી સેંથો પાડતા હોવ, તો તેને બદલીને સાઇડ પાર્ટિશન કરો. એક જ જગ્યાએ વાળ રાખવાથી ત્યાં તેલ વધુ દેખાય છે. પાર્ટિશન બદલવાથી વાળમાં 'વોલ્યુમ' (ભરાવદાર દેખાવ) આવે છે અને ચીકણાપણું છુપાઈ જાય છે.
4 એપલ સાઇડર વિનેગર રિન્સ
જો તમારે આખું શેમ્પૂ નથી કરવું, તો માત્ર 'હેર રિન્સ'નો ઉપયોગ કરો. પાણીમાં થોડું એપલ સાઇડર વિનેગર ઉમેરીને તેનાથી વાળને હળવા હાથે સાફ કરો. તે સ્કેલ્પના pH લેવલને જાળવી રાખે છે અને વધારાની ચિકાશ દૂર કરે છે.
5. ડ્રાય શેમ્પૂનો જાદુ
વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ડ્રાય શેમ્પૂ વરદાન સમાન છે. તે પાવડર અથવા સ્પ્રે ફોર્મમાં આવે છે જે પાણી વગર તેલને શોષી લે છે. તેને મૂળમાં સ્પ્રે કરો, થોડી મિનિટ રહેવા દો અને પછી કાંસકો ફેરવી લો. તમારા વાળ તરત જ શેમ્પૂ કર્યા હોય તેવા ફ્રેશ દેખાશે.
ખાસ સલાહ: ઉનાળામાં સલ્ફેટ-મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવો અને ભારે તેલ નાખવાનું ટાળવું જોઈએ, જેથી વાળ કુદરતી રીતે જ ઓછા ચીકણા થાય.
આ પણ વાંચોઃ શા માટે થાય છે સ્ત્રીઓમાં Migraineનો દુખાવો, જાણો કેવી રીતે તેને અટકાવશો ?