એપ્રિલના અંતમાં સમગ્ર ભારત અત્યારે ભીષણ ગરમીની ચપેટમાં છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જેના કારણે બપોરના સમયે ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. વિશ્વના સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના કેટલાક શહેરોનો સમાવેશ થવો એ ચિંતાજનક બાબત છે. આ આકરી ગરમીથી બચવા અને મનની શાંતિ મેળવવા માટે લોકો અત્યારે ઠંડા હિલ સ્ટેશનો તરફ વળી રહ્યા છે.
ઉત્તર ભારત: હિમાલયના ખોળામાં ઠંડક
જો તમે ખરેખર બરફીલા શિખરો અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માંગતા હોવ, તો મનાલી પ્રથમ પસંદગી હોવી જોઈએ. અહીં ઉનાળામાં પણ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, જે મેદાની વિસ્તારોની સરખામણીમાં સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. તેવી જ રીતે, હિમાચલનું પાટનગર શિમલા પણ પ્રવાસીઓનું માનીતું છે. અહીંની ટોય ટ્રેન અને મોલ રોડની મજા ઉનાળામાં પણ એસી જેવી ઠંડકનો અહેસાસ કરાવે છે.
દક્ષિણ ભારત: હરિયાળી અને શાંતિ
દક્ષિણ ભારતમાં પણ એવા ઘણા સ્થળો છે જ્યાં તમે ગરમી ભૂલી જશો. કેરળનું મુન્નાર તેના વિશાળ ચાના બગીચાઓ અને ધુમ્મસભર્યા પહાડો માટે જાણીતું છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. આ ઉપરાંત, 'હિલ સ્ટેશનોની રાણી' ગણાતું તમિલનાડુનું ઊટી તેના સુંદર તળાવો અને બગીચાઓ માટે પ્રખ્યાત છે. કૌટુંબિક પ્રવાસ કે હનીમૂન માટે ઊટીનું ઠંડુ હવામાન અત્યંત આરામદાયક છે.
રાજસ્થાનનું ઠંડુ રત્ન: માઉન્ટ આબુ
સામાન્ય રીતે રાજસ્થાન ગરમ પ્રદેશ ગણાય છે, પરંતુ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માઉન્ટ આબુ ઉનાળામાં પણ ઠંડુ રહે છે. ગુજરાત અને રાજસ્થાનના લોકો માટે આ સૌથી નજીકનું અને શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીંનું નક્કી તળાવ અને દિલવાડાના મંદિરો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
દિલ્હીની નજીકના વિકલ્પો
દિલ્હી અને તેની આસપાસ રહેતા લોકો માટે મસૂરી, નૈનિતાલ અને ઋષિકેશ જેવા સ્થળો બે-ત્રણ દિવસના ટૂંકા પ્રવાસ માટે ઉત્તમ છે. નૈનિતાલના તળાવો અને મસૂરીના ઠંડા પવનો ગરમીથી તાત્કાલિક રાહત આપે છે.
આ પણ વાંચોઃ Japanese Skincare: દસ વર્ષ નાની દેખાશે તમારી ઉંમર, ફોલો કરો માત્ર આ 5 સરળ ટીપ્સ