ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા ફક્ત ખાનપાન જ નહી પોશાક પર પણ ધ્યાન આપવું જોઈએ. એવા કપડાં ના પહેરવા જેનાથી વધુ ગરમી લાગે. ભારતીયો સિઝન અને પ્રસંગ પ્રમાણ કપડાં પહેરતા હોય છે. એટલે જ તેમના કબાટમાં એવા કપડા હોય છે જે તેમણે દિવસો સુધી ના પહેર્યા હોય. કેટલીક વાર એવું પણ બને છે કે જયારે કબાટમાંથી તેઓ કપડાં કાઢે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે. આ ગંધ દૂર કરવા માટે કપડાં ધુએ છે અથવા તો કેટલાક લોકો પરફયુમની  ટ્ર્રિકસ અજમાવે છે. પરંતુ આ જાદુઈ ટિપ્સથી તમે કબાટના કપડાંને સૂર્યપ્રકાશ વગર તાજા અને સુગંધિત બનાવી શકો છો.

કપડાંમાં ભેજ લાગતા આવે છે દુર્ગંધ

જ્યારે કપડાંમાં થોડો પણ ભેજ રહે છે, ત્યારે બેક્ટેરિયા અને ફૂગ ખીલવા લાગે છે. સૂર્યપ્રકાશના અભાવે, આ ભેજ કપડાંના રેસામાં ફસાઈ જાય છે, ધીમે ધીમે એક અપ્રિય ગંધ ઉત્પન્ન કરે છે. જો તમારા કબાટમાં રહેલા કપડાંમાંથી દુર્ગંધ આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારા કબાટની અંદર ભેજ જમા થઈ ગયો છે. કબાટમાં રાખેલા કપડાંમાંથી ભેજ અથવા લાંબા સમય સુધી પડ્યા રહેવાને કારણે આવતી દુર્ગંધ દૂર કરવા માટે તમે આ સરળ અને અસરકારક ઘરેલુ ટિપ્સ અપનાવી શકો છો. 

કપડાંમાંથી દુર્ગંધ દૂર કરવાની જાદુઈ ટીપ્સ

  • સૂકા લીમડાના પાન કપડાંની દુગંધ દૂર કરશે. તમે કપડાંની વચ્ચે સૂકા લીમડાના પાન રાખશો તો જીવાત પડશે નહી અને કપડાં સુરક્ષિત રહે છે.
  • નેપ્થલીન બોલ્સ (ડામરની ગોળી)નો ઉપયોગ લોકો કરવા લાગ્યા છે. કબાટના ખૂણામાં ડામરની ગોળીઓ રાખવાથી ભેજની ગંધ દૂર થાય છે અને કપડાં લાંબો સમય તાજા રહે છે.
  • સુગંધિત પોટલી કબાટમાં મૂકવાથી કપડાંમાંથી ગંધ આવશે નહીં. તમે નાની મખમલની પોટલીમાં સૂકા ગુલાબની પાંખડીઓ અથવા લવંડરના ફૂલો ભરીને કબાટમાં લટકાવી શકો છો.
  • એક નાની ડબ્બીમાં બેકિંગ સોડા ભરીને કબાટના ખૂણામાં મૂકો. તે હવામાં રહેલી ખરાબ દુર્ગંધને શોષી લે છે.
  • ચોખા ભેજ શોષવામાં માહિર હોય છે. એક નાની પોટલીમાં ચોખા ભરી તેમાં એસેન્શિયલ ઓઈલના થોડા ટીપાં નાખીને કબાટમાં મૂકવાથી ગંધ દૂર થાય છે.
  • કબાટમાં રાખેલા થોડા ચોકના ટુકડા પણ ભેજ શોષી લે છે, જેનાથી કપડાંમાં માટી કે ભેજની ગંધ આવતી નથી.
  • નવા સાબુને કાગળમાં લપેટીને કપડાંની વચ્ચે રાખવાથી કબાટમાં હંમેશા સરસ સુગંધ બની રહે છે.
  • કબાટને હવા ખવડાવો. એટલે કે અઠવાડિયામાં એકવાર કબાટના દરવાજા થોડીવાર ખુલ્લા રાખવા જોઈએ જેથી તાજી હવા અંદર જઈ શકે.

આ પણ વાંચો : Wrinkles: ફક્ત ચહેરા પર જ નહીં પરંતુ શરીરના આ ભાગો પર પણ દેખાય છે વૃદ્ધત્વ, જાણો કેવી રીતે રાખશો સંભાળ?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )