આજના સમયમાં અનેક ઘરોમાં બાળકો ઘરે બનેલા પૌષ્ટિક ખોરાકને બદલે ચિપ્સ, કૂકીઝ, બિસ્કિટ અને ઠંડા પીણાં જેવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ માટે જીદ કરતા જોવા મળે છે. માતાપિતા ઘણીવાર આને બાળકની સામાન્ય જીદ કે સ્વાદની પસંદગી માનીને અવગણે છે, પરંતુ નવા તબીબી સંશોધનોએ આ આદત સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અભ્યાસ મુજબ, પેકેજ્ડ અને જંક ફૂડ માત્ર બાળકોનું વજન જ નહીં વધારતા, પરંતુ ખોરાકની તસવીરો પ્રત્યે તેમના વિકસતા મગજના પ્રતિભાવને પણ બદલી શકે છે.
શું કહે છે નવો અભ્યાસ?
ઓક્ટોબર 2026 માં યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના સંશોધકોએ 7 થી 10 વર્ષની વયના 46 બાળકો પર MRI સ્કેન દ્વારા તપાસ કરી હતી. શરૂઆતમાં સામાન્ય વજન ધરાવતા આ બાળકોમાં, જેઓ રોજિંદા આહારમાં વધુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ લેતા હતા, તેમના મગજના 'ડોર્સલ સ્ટ્રાઇટમ' (પુરસ્કાર અને ટેવ સાથે જોડાયેલ ભાગ) માં ફ્રેન્ચ ફ્રાઈસ કે કૂકીઝની તસવીરો જોતા વધુ પ્રવૃત્તિ જોવા મળી હતી. એક વર્ષ બાદ આવા બાળકોમાં BMI અને શરીરની ચરબીમાં વધારો પણ નોંધાયો હતો.
મગજ અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર અસર
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકમાં રિફાઇન્ડ ખાંડ, મીઠું, બિનઆરોગ્યપ્રદ ચરબી અને કૃત્રિમ સ્વાદ વધુ હોવાથી તે તૃષ્ણા અને ટેવને નિયંત્રિત કરતા મગજના ભાગને વધુ સક્રિય કરે છે, જેનાથી પેટ ભરેલું હોવા છતાં વારંવાર ભૂખ લાગે છે. બાળરોગ નિષ્ણાતના મતે તેનાથી તર્ક, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, ધ્યાન અને એકાગ્રતા જેવા જ્ઞાનાત્મક કાર્યો પ્રભાવિત થાય છે. લાંબા ગાળે સ્થૂળતા, ડાયાબિટીસ, હાયપરટેન્શન, ફેટી લીવર, હૃદયરોગ અને કેન્સર જેવા જોખમો પણ વધી શકે છે.
માતાપિતાએ શું ધ્યાન રાખવું?
ડૉ.બાળકોનો ડિજિટલ સ્ક્રીન સમય ઘટાડવા, શારીરિક પ્રવૃત્તિ વધારવા અને તેમના BMI, ઊંઘ-બેસવાની આદતો તથા શાળાના પ્રદર્શન પર નજર રાખવાની સલાહ આપે છે. જંક ફૂડની ઉત્પાદન પ્રક્રિયામાં બનતા મુક્ત રેડિકલ્સ આંતરડા અને અન્ય અવયવોને નુકસાન પહોંચાડી શકે છે; તેથી બાળકોને અઠવાડિયામાં એકવાર પણ જંક ફૂડ ન આપવું હિતાવહ છે અને રોજ ખાવાની ટેવ હોય તો ધીમે-ધીમે ઘટાડવી જોઈએ.
આ પણ વાંચોઃ Religion: સાવધાન! રસ્તા પર પડેલા પૈસા કે સોનું-ચાંદી તમે તો નથી લીધું ને? આ ભૂલ પડી શકે છે ભારે