માતાપિતા બનવાની સફર આનંદદાયક અને રોમાંચક પણ છે. આ બાબત ખુશીઓની સાથે જવાબદારીઓ પણ લાવે છે. બાળકના આગમન પહેલાં માતાપિતા  એકબીજા સાથે શ્રેષ્ઠ સમય પસાર કરે છે. કારણ કે માતા-પિતા બન્યા બાદ જીવનમાં હોસ્પિટલની દોડધામ, ખરીદી અને ભવિષ્યના આયોજનમાં તેઓ વધુ વ્યસ્ત થઈ જાય છે. માતાપિતા બન્યા બાદ જીવનમાં ઘણો બદલાવ આવે છે. આ વ્યસ્તતા વચ્ચે, યુગલોને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાની તક મળતી નથી. આ જ કારણ છે કે આજકાલ કપલ્સમાં "બેબીમૂન" નો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે.

જાણો શું છે આ 'બેબીમૂન' ટ્રેન્ડ

જેવી રીતે લગ્ન પછી કપલ્સ હનીમૂન પર જાય છે, તેવી જ રીતે બાળકના જન્મ પહેલાં ગર્ભવતી માતા-પિતા સાથે યાદગાર ક્ષણો વિતાવવા માટે એક ટૂંકી સફર પર જાય છે, જેને 'બેબીમૂન' કહેવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ માત્ર ફરવાનો નથી, પરંતુ આગામી નવી જવાબદારીઓ માટે માનસિક રીતે તૈયાર થવાનો અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

બેબીમૂન માટે કયો સમય છે સૌથી શ્રેષ્ઠ?

જો તમે બેબીમૂનનું આયોજન કરી રહ્યા છો, તો યોગ્ય સમયની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન (૧૪મા થી ૨૮મા અઠવાડિયા વચ્ચે) મુસાફરી કરવી સૌથી સુરક્ષિત અને આરામદાયક માનવામાં આવે છે. આ સમયગાળામાં ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓનો થાક અને ઉબકા (Morning Sickness) નોંધપાત્ર રીતે ઓછા થઈ જાય છે અને શરીર પ્રમાણમાં સારું અનુભવે છે. જો કે, કોઈપણ સફરનું આયોજન કરતા પહેલા તમારા ગાયનેકોલોજિસ્ટ (ડૉક્ટર) ની સલાહ લેવી અનિવાર્ય છે.

બેબીમૂન માટે સ્થાન પસંદગીમાં રાખો ધ્યાન

માતાપિતા બનતા પહેલા જો તમે ફરવા જતા હોવ તો એવું લોકેશન પસંદ કરો જ્યાં પહોંચવામાં વધુ સમય ન લાગે. લાંબી અને થકવી નાખનારી મુસાફરી ગર્ભાવસ્થામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તમે જે જગ્યાએ જઈ રહ્યા છો ત્યાં આસપાસ સારી હોસ્પિટલો અને મેડિકલ ઇમરજન્સીની સુવિધા હોવી જરૂરી છે. પ્રવૃત્તિઓથી ભરેલા વ્યસ્ત શેડ્યૂલને બદલે કુદરતી સૌંદર્ય અને શાંતિ ધરાવતું રિસોર્ટ પસંદ કરો, જ્યાં તમે આરામથી સમય વિતાવી શકો.

ટ્રાવેલિંગમાં સાવચેતીની ટિપ્સ

જે કપલ બેબીમૂન પર જતા હોય તેઓ પ્રવાસમાં પોતાની સાથે આરામદાયક કપડાં, સપોર્ટિવ ફૂટવેર (ચંપલ/શૂઝ), ડૉક્ટરે આપેલી દવાઓ, ગર્ભાવસ્થાના વિટામિન્સ, હળવો નાસ્તો અને તમારા મેડિકલ રિપોર્ટ્સની ફાઇલ ચોક્કસ સાથે રાખો. સફર દરમિયાન વારંવાર પાણી કે હેલ્ધી લિક્વિડ પીતા રહો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાને બદલે વચ્ચે-વચ્ચે ઊભા થઈને પગને થોડા સ્ટ્રેચ (ખેંચો) કરો. આ ખાસ દિવસોમાં ફોન અને ઓફિસના કામથી દૂર રહો. શાંતિથી પુસ્તક વાંચો, પ્રકૃતિનો આનંદ લો અને બાળકના નામ કે ભવિષ્ય વિશે પાર્ટનર સાથે દિલ ખોલીને વાતો કરો.


આ પણ વાંચો : Eye Problems: શું આંખોની સમસ્યા સંકેત છે બ્રેઈન ટ્યુમરનો, જાણો શુ કહે છે નિષ્ણાંતો?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )