આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલ, ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવું અને બિનઆરોગ્યપ્રદ ખાનપાનને કારણે સ્થૂળતા (Obesity) એક મોટી સમસ્યા બની ગઈ છે. પેટની ચરબી અને વજન ઘટાડવા માટે લોકો મોંઘા જીમ, ડાયેટ પ્લાન કે ફિટનેસ સપ્લીમેન્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર સાયકલ ચલાવીને પણ સરળતાથી વજન નિયંત્રિત કરી શકાય છે? આજે ૩ જૂને 'વિશ્વ સાયકલ દિવસ' પર જાણીએ વજન ઘટાડવામાં સાયકલિંગ કેવી રીતે મદદરૂપ થાય છે અને તેના પાછળનું વિજ્ઞાન શું કહે છે.


વજન ઘટાડવામાં સાયકલિંગ કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે સાયકલ ચલાવો છો, ત્યારે શરીરના મોટા સ્નાયુઓ (ખાસ કરીને પગ અને જાંઘના મસલ્સ) સક્રિય થાય છે. આ પ્રવૃત્તિથી શરીરમાં ઉર્જાનો વપરાશ વધે છે. જ્યારે શરીર આપણે લીધેલી ખોરાક કેલરી કરતાં વધુ કેલરી બર્ન કરે છે, ત્યારે તે ઉર્જા મેળવવા માટે શરીરમાં જમા થયેલી જીદ્દી ચરબી (Fat) નો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. નિયમિત સાયકલ ચલાવવાથી તમારો મેટાબોલિઝમ રેટ (ચયાપચય) પણ સુધરે છે, જેનાથી કસરત પૂરી થયા પછી પણ શરીર કેલરી બર્ન કરતું રહે છે.

વજન ઉતારવા માટે સાયકલ દરરોજ કેટલો સમય ચલાવવી

ફિટનેસ નિષ્ણાતોના મતે, વજન ઘટાડવાના ટાર્ગેટ પ્રમાણે સાયકલિંગનો સમય નક્કી કરવો જોઈએ. શરૂઆત કરનારાઓ માટે સાયકલ ચલાવવાનો ઓછો સમય રાખવો. જો તમે લાંબા સમય પછી સાયકલ ચલાવવાનું શરૂ કરી રહ્યા હોવ, તો રોજ ૨૦ થી ૩૦ મિનિટથી શરૂઆત કરો. ફિટનેસ જાળવી રાખવા સાયકલ ચલાવવાનો નિશ્ચિત સમય રાખો. માત્ર બોડી ફિટ રાખવા માટે રોજ ૪૫ મિનિટનું સાયકલિંગ પૂરતું છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ ૪૫ થી ૬૦ મિનિટ સુધી સાયકલ ચલાવવી સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

સાયકલ ચલાવવાના અદ્ભુત લાભો

સાયકલિંગ એક ઉત્તમ કાર્ડિયો કસરત છે. તે હૃદયના ધબકારા સુધારે છે અને આખા શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે.  રોજિંદી શારીરિક પ્રવૃત્તિ શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત રાખે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે. સાયકલ ચલાવવાથી  માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશનને દૂર રહે છે. શરીરનો એકંદર સ્ટેમિના વધતા તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સ્વાસ્થ્ય ઉપરાંત સાયકલ ઇકો-ફ્રેન્ડલી છે. તેનો ઉપયોગ કરવાથી પેટ્રોલ-ડીઝલના પૈસા બચે છે અને વાયુ પ્રદૂષણ ઘટતાં પર્યાવરણ સુરક્ષિત રહે છે.


આ પણ વાંચો : World Bicycle Day: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની યુવાનોને અપીલ, સાયકલ ચલાવો...પેટ્રોલ બચાવો

  • Follow us on: