મેનોપોઝ એ દરેક સ્ત્રીના જીવનમાં આવતો એક કુદરતી અને જૈવિક તબક્કો છે, જ્યારે અંડાશયનું કાર્ય બંધ થાય છે અને માસિક સ્રાવ કાયમ માટે અટકી જાય છે. સામાન્ય રીતે મહિલાઓમાં મેનોપોઝની ઉંમર 45 થી 55 વર્ષની વચ્ચે હોય છે. પરંતુ વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી, તણાવ અને અન્ય આરોગ્ય વિષયક કારણોસર ૪૦ થી ૪૫ વર્ષની વયે જ માસિક બંધ થઈ જવાની ઘટનાઓ વધી રહી છે, જેને 'પ્રારંભિક' અથવા 'અકાળ મેનોપોઝ' (Premature Menopause) તરીકે ઓળખવામાં આવે છે.

થઇ શકે છે આ ગંભીર બિમારી

ગાયનેકોલોજીસ્ટના મત પ્રમાણે જ્યારે સ્ત્રીને સતત એક વર્ષ સુધી માસિક ન આવે ત્યારે તેને મેનોપોઝ ગણવામાં આવે છે. 40 વર્ષથી ઓછી વયે મેનોપોઝ આવવાના કિસ્સામાં એસ્ટ્રોજન જેવા મહત્વપૂર્ણ હોર્મોન્સનું ઉત્પાદન અચાનક ઘટી જાય છે. હોર્મોનલ અસંતુલનને કારણે સ્ત્રીઓમાં હાડકાં નબળા પડવા (ઓસ્ટિયોપોરોસિસ), હૃદયરોગનું જોખમ, પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ (UTI) અને મૂડ સ્વિંગ જેવી શારીરિક તથા માનસિક સમસ્યાઓ સર્જાય છે.

અકાળ મેનોપોઝના કારણો

અકાળ મેનોપોઝ થવા પાછળ ઘણા તબીબી અને આઇટ્રોજેનિક (સારવાર સંબંધિત) કારણો જવાબદાર હોય છે. ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ્સ, અસામાન્ય રક્તસ્રાવ, કેન્સર અથવા એન્ડોમેટ્રિઓસિસ જેવી પરિસ્થિતિઓમાં જ્યારે 'હિસ્ટરેકટમી' શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય અને અંડાશય દૂર કરવામાં આવે છે, ત્યારે માસિક સ્રાવ તાત્કાલિક બંધ થઈ જાય છે. આ ઉપરાંત કેન્સરની સારવારમાં આપવામાં આવતી કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી પણ અંડાશયના કાર્યોને ગંભીર નુકસાન પહોંચાડે છે, જેનાથી અકાળ મેનોપોઝ આવે છે.

સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી

જો સર્જરી કે તબીબી કારણો ન હોય, તો લગભગ 70 થી 90 ટકા કિસ્સાઓમાં અકાળ મેનોપોઝનું ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી. જોકે, મુખ્ય સંભવિત પરિબળોમાં આનુવંશિકતા (પરિવારમાં માતા કે દાદીને વહેલો મેનોપોઝ આવ્યો હોય) અને રંગસૂત્રીય અસામાન્યતાઓ સામેલ છે. આ સિવાય રૂમેટોઇડ સંધિવા કે સિસ્ટમિક લ્યુપસ એરિથેમેટોસસ (SLE) જેવા ઓટોઇમ્યુન રોગો અને સાયક્લોફોસ્ફામાઇડ જેવી અમુક દવાઓ પણ અંડાશયની ક્ષમતા ઘટાડે છે. આ સંજોગોમાં મહિલાઓએ યોગ્ય આહાર, નિયમિત કસરત અને ડૉક્ટરની સલાહ મુજબ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

આ પણ વાંચોઃ  ટોવેલ કેટલા દિવસમાં બદલી લેવો જોઇએ?