દરેક વ્યક્તિ એવી નોકરીની શોધમાં હોય છે જેમાં ઓછી મહેનતે વધુ પગાર મળતો હોય. જો કામ કરવાની જગ્યા કોઈ સુંદર પ્રકૃતિના ખોળામાં હોય અને રહેવા-જમવા માટે એક પણ રૂપિયો ન ખર્ચવો પડે, તો તેને સોનામાં સુગંધ ભળવા જેવું ગણી શકાય. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક નોકરીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે, જેને લોકો 'સ્વર્ગની નોકરી' કહી રહ્યા છે.

'ક્લાઉડસ્કેપ ઓબ્ઝર્વર' ની જગ્યાઓ માટે ભરતી

ચીનના હેનાન પ્રાંતમાં આવેલા પ્રખ્યાત લાઓજુન પર્વત પર એક મહિના માટે 'ક્લાઉડસ્કેપ ઓબ્ઝર્વર' (વાદળો અને સૂર્યોદયના દશ્યો નિહાળનાર) ની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ નોકરી માટેનો પગાર આશ્ચર્યજનક રીતે ૬૦,૦૦૦ યુઆન એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ૯૦૦,૦૦ રૂપિયા રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્વતની ટોચ પર મફત રહેવાની અને ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ હતી. આ કામ કોઈ સામાન્ય ઓફિસની નોકરી જેવું નહોતું, પરંતુ પર્વતની ટોચ પર, સમુદ્રથી હજારો ફૂટ ઉપર અને વાદળોની વચ્ચે રહીને પ્રકૃતિના અદભુત નજારા માણવાના હતા. સવારે કોઈ એલાર્મ વગર માત્ર પક્ષીઓનો કિલકિલાટ અને વાદળોનો સમુદ્ર કર્મચારીનું સ્વાગત કરતો હતો.

ઇન્ટરનેટ પર આવી હતી નોકરીની જાહેરાત

જ્યારે આ નોકરીની જાહેરાત ઇન્ટરનેટ પર આવી, ત્યારે તે વાયુવેગે ફેલાઈ ગઈ અને માત્ર એક જ અઠવાડિયામાં ૩,૫૦૦ થી વધુ લોકોએ આ સ્વપ્નની નોકરી માટે અરજી કરી દીધી હતી. આ સ્પર્ધામાં વ્યાવસાયિક ફોટોગ્રાફરોને પણ પાછળ છોડીને ૨૩ વર્ષીય યુવાન લી સિચેન નામના વ્લોગરે આ બાજી મારી લીધી અને લાઓજુન પર્વતનો પ્રથમ ક્લાઉડસ્કેપ ઓબ્ઝર્વર બન્યો.

સવારના 5 વાગ્યાથી શરૂ કરીને મોડાં સુધી કામ પર રહેતો

જો કે, બહારથી જેટલી આકર્ષક દેખાતી આ નોકરી જેટલી સુંદર હતી, તેટલી જ પડકારજનક પણ હતી. લી સિચેનનો દિવસ સવારે 5 વાગ્યે શરૂ થઈ જતો હતો. સૂર્યોદય પહેલા તેનો કેમેરા તૈયાર રહેવો પડતો હતો. દિવસભર વાદળોના બદલાતા આકાર, સૂર્યોદય, પર્વતો પર પડતા સૂર્યપ્રકાશને કેદ કરવો અને સાંજ સુધી વિવિધ ખૂણાથી શૂટિંગ કરવાનું કામ રહેતું હતું. આ માટે તેણે વિડિયો કેપ્ચર, એડિટિંગ, કલર ગ્રેડિંગ અને ડ્રોન ઉડાવવાની કલા પણ શીખવી પડી હતી. આ ઉપરાંત, પર્વત પરના બદલાતા હવામાન સાથે અનુકૂલન સાધવું પણ મોટો પડકાર હતો. આ એક મહિનાની સફર પૂરી થતાં સુધીમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હજારો નવા ફોલોઅર્સ જોડાઈ ગયા હતા, જેણે તેના ડિજિટલ કરિયરને નવી ઊંચાઈઓ આપી છે.

આ પણ વાંચોઃ માત્ર ચેટિંગ નહીં, WhatsApp છે ઓલ-ઇન-વન સુપર એપ, આ રહ્યા 5 શાનદાર ફીચર્સ