ભારતના લોકોમાં અમેરિકામાં જવાનો ભારે શોખ છે. યુવાનો કોઈપણભોગે તેઓ અમેરિકા જવા ઇચ્છે છે. પરંતુ હવે અમેરિકા જવા ઇચ્છુક લોકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વિઝા નિયમોને લઈને ટ્રમ્પ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા વિઝાને લઈને નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જે મુજબ ગંભીર રોગ ધરાવતા વિદેશી લોકોના વિઝા નામંજૂર કરવાની ટ્રમ્પે તંત્રને મંજૂરી આપી છે. આ ગંભીર રોગોમાં ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદય રોગ અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.
વિદેશી નાગરિકો માટે બનાવ્યા કડક વિઝા નિયમ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પોતાના બીજા વખતના શાસનમાં આકરા નિર્ણય લઈ રહ્યા છે. હાલમાં અમેરિકામાં શટડાઉન સ્થિતિ છે છતાં વિઝા મામલે ટ્રમ્પના આકરા તેવર જોવા મળ્યા. વિઝા મામલે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ મુજબ સ્વાસ્થ્યમાં ફિટ હોય તેવા વિદેશી નાગરિકોને વિઝા માટે પ્રાથમિકતા અપાશે. જે લોકો ભવિષ્યમાં અમેરિકા માટે "જાહેર ચાર્જ" બને એટલે કે સરકારી સંસાધનો પર બોજ બને તેવા ગંભીર બીમારીગ્રસ્ત લોકોને વિઝા નહી અપાય. વિઝા અધિકારી દ્વારા અરજદારના સ્વાસ્થ્ય અને તેના પરિવારના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી લેવાશે.
અમેરિકામાં વિઝા માટે નવી માર્ગદર્શિકા
માર્ગદર્શિકામાં જણાવાયું છે કે વિઝા પ્રક્રિયામાં હવે ફક્ત ચેપી રોગો અથવા રસીકરણ માટે સ્ક્રીનીંગનો સમાવેશ થશે નહીં, પરંતુ અનેક બિન-ચેપી રોગો પર પણ ગંભીરતાથી નજર રાખવામાં આવશે. વિઝા અધિકારી અરજદાર અને તેના પરિવારના સ્વાસ્થ્યની સંપૂર્ણ માહિતી લેશે. અરજદારો સરકારી સહાય વિના તેમની બીમારીની સારવાર પરવડી શકે છે કે નહીં. તેમજ તેઓ અમેરિકામાં વસવાટ દરમિયાન બાકીના જીવન માટે સારવારનો ખર્ચ પોતે ઉઠાવી શકશે કે સરકારી સંસ્થાઓ પર નિર્ભર રહેશે. આ સિવાય તેઓ પોતાનો બાળકો અથવા વૃદ્ધ માતાપિતા જેવા પરિવારના સભ્યોની સ્વાસ્થ્યનો ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ છે કે કેમ તેવા પ્રશ્નો પૂછવામાં આવશે.
ફિટનેસ ફર્સ્ટ, વિઝા માટે ટ્રમ્પનો નિયમ
ફિટનેસ ધરાવતા લોકોને વિઝા આપવાના ટ્રમ્પના નિર્ણયની અમેરિકનો પ્રશંસા કરી રહ્યા છે, જયારે ભારતીય લોકો કે જેઓ અમેરિકા જવા ઇચ્છે છે તેમના માટે આ ચિંતાજનક બાબત છે. કારણ કે આજે ભારતમાં ફક્ત 50 વયથી ઉપરના લોકો નહીં પરંતુ યુવાનો પણ ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદય રોગ અને કેન્સર બીમારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનિયમિત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે ભારતના લોકોમાં સ્વાસ્થય સમસ્યા વધી છે. એટલે જ પીએમ મોદીએ પણ ફિટનેસ મામલે લોકોને જાગૃત થવા અપીલ કરી છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )