દુનિયાભરમાં પ્રેમ અને સંબંધો સાથે જોડાયેલી અનેક અનોખી પરંપરાઓ જોવા મળે છે, પરંતુ વિયેતનામના હા ગિઆંગ પ્રદેશમાં આવેલું 'ખાઓ વાઈ લવ માર્કેટ' (Khau Vai Love Market) પોતાની ખાસ ઓળખ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ કોઈ સામાન્ય ખરીદીનું બજાર નથી, પરંતુ લાગણીઓ, જૂની યાદો અને સાંસ્કૃતિક વારસાનું અનોખું સંગમ છે.

એક જ વખત ભરાય છે બજાર

વર્ષમાં માત્ર એક જ વાર ભરાતા આ બજારની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એવા લોકો પણ મોટી સંખ્યામાં આવે છે, જેના રસ્તાઓ ભૂતકાળમાં ક્યારેક હંમેશા માટે અલગ થઈ ગયા હતા. જુદા પડેલા ભૂતપૂર્વ પ્રેમીઓ અહીં મળીને પોતાના જૂના સંબંધોની યાદો તાજી કરે છે અને એકબીજા સાથે વાતચીત કરે છે. વિયેતનામમાં આ પુનઃમિલનને એક પવિત્ર સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા માનવામાં આવે છે.

અધૂરી પ્રેમકથાથી શરૂ થયેલી લોકકથા

આ અનોખા લવ માર્કેટ પાછળ એક પ્રાચીન લોકકથા જોડાયેલી છે. વાર્તા મુજબ, બે અલગ-અલગ વંશીય સમુદાયના એક યુવક અને યુવતી ગાઢ પ્રેમમાં પડ્યા હતા, પરંતુ કૌટુંબિક અને સામાજિક વિરોધને કારણે તેમના લગ્ન થઈ શક્યા નહીં. અલગ થતી વખતે તેમણે વર્ષમાં એકવાર આ ચોક્કસ જગ્યાએ મળવાનું વચન આપ્યું હતું. આજની તારીખમાં પણ આ ઐતિહાસિક અને રોમાંચક લોકકથા આ ઉત્સવના સાંસ્કૃતિક મૂળ સાથે મજબૂતીથી જોડાયેલી છે. રસપ્રદ વાત એ છે કે અહીં માત્ર ભૂતપૂર્વ પ્રેમીઓ જ નથી આવતા, પરંતુ નવા જીવનસાથીની શોધ કરતા અવિવાહિત યુવક-યુવતીઓ અને કેટલાક પરિણીત લોકો પણ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લે છે. કેટલાક લોકો માટે આ જૂના સાથીને મળવાની તક છે, તો અન્ય લોકો માટે નવો સંબંધ શરૂ કરવાનું માધ્યમ છે.

આયોજનનો સમય અને સાંસ્કૃતિક માન્યતા

આ વિશેષ ઉત્સવ દર વર્ષે ત્રીજા ચંદ્ર મહિનાની ૨૭મી તારીખે યોજાય છે, જે સામાન્ય રીતે એપ્રિલ કે મે મહિનાની આસપાસ આવે છે. અહીં મળવાનો હેતુ ભૂતકાળના સંબંધોને ફરીથી જિવી કરવાનો નથી, પરંતુ ઘણા લોકો માટે આ ભૂતકાળને સ્વીકારવાની, જૂની યાદોને માન આપવાની અને સ્મિત સાથે જીવનમાં આગળ વધવાની એક સુંદર તક છે. વર્ષ ૨૦૨૧માં વિયેતનામના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ અનોખી 'ખાઓ વાઈ' પરંપરાને રાષ્ટ્રીય અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. આ પરંપરા આપણને શીખવે છે કે ભૂતકાળના સંબંધને યાદ રાખવાનો અર્થ હંમેશા તેને પાછો મેળવવાનો પ્રયાસ નથી હોતો, પરંતુ કેટલીકવાર ભૂતકાળને સ્વીકારીને આગળ વધવું એ જ સાચો પ્રેમ છે.

આ પણ વાંચોઃ  Tata Group : JLRમાં મોટી છટણીની તૈયાર, 4,000 કર્મચારીઓની આજીવિકા જોખમમાં