• શ્રીલંકાના મન્નારથી રામેશ્વરમનું અંતર 40 કિલોમીટર
  • રામેશ્વરમ દ્વીપના પૂર્વી ભાગમાં ધનુષકોડી બીચ પણ છે
  • શ્રી રામ અને તેમની સેનાએ બનાવેલા રામસેતુ પુલની પણ લો મુલાકાત

દક્ષિણ ભારતનું રામેશ્વરમ એક સુંદર દ્વીપનું શહેર છે. આ દ્વીપને પંબન દ્વીપ નામ પણ આપવામાં આવ્યું છે. તમિલમાં આ જગ્યા ઈરોમેસ્વેરમ નામથી લોકપ્રિય છે. રામેશ્વરમ તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાનું એક શહેર છે. હિંદુ ધર્મના સૌથી પવિત્ર 4 ધામમાંથી એક ધામ અહીં છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થવા આવે છે. મોહ-માયાનો ત્યાગ કરીને લોકો અહીં શાંતિ અને મોક્ષની શોધમાં આવે છે. ભાગદોડભરી જિંદગીથી લોકો પરેશાન છે. તેનાથી બચવા માટે લોકો રામેશ્વરમ દર્શનીય સ્થળે આવે છે. અહીનો શાંતિનો માહોલ તમને ભક્તિમાં લીન કરી દેશે.

ક્યાં આવ્યું છે

શ્રીલંકાના મન્નારથી રામેશ્વરમનું અંતર 40 કિલોમીટર છે. માનવામાં આવે છે કે મન્નાર અને રામેશ્વરમની વચ્ચે શ્રીરામજીનો સેતુ પુલ છે તેનું વર્ણન રામાયણમાં પણ છે. તો જાણો રામેશ્વરમ જશો તો શું જોશો.

રામનાથ સ્વામી મંદિર

રામેશ્વરમમાં પ્રસિદ્ધ જગ્યામાં એક છે રામનાથ સ્વામી મંદિર. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર સુંદરતા અને માન્યતાના કારણે પણ જાણીતું છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામે પોતાના હાથથી મંદિરનું નિર્માણ કર્યું હતું. તેની માન્યતાની વાત કરીએ તો ભગવાન શ્રી રામે હનુમાનજીને શ્રીલંકાથી શિવલિંગ લાવવા કહ્યું પણ તેમને આવવામાં મોડું થયું તો માતા સીતાએ પોતાના હાથથી શિવલિંગનું નિર્માણ કર્યું અને તેની પૂજા શ્રી રામે કરી અને પછી પ્રસિદ્ધ મંદિર બનાવ્યું હતું.


ધનુષકોડી બીચ

રામેશ્વરમ દ્વીપના પૂર્વી ભાગમાં ધનુષકોડી બીચ એક પ્રસિદ્ધ સમુદ્રી તટ છે. આ જગ્યા પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતી છે. અહીં તમે અનેક વોટર એક્ટિવિટી પણ એન્જોય કરી શકો છો. 1964માં એક સાયક્લોને અહીં આખા ગામને તબાહ કરી દીધું હતું. આ ગામને ભૂતનું ગામ કહેવામાં આવે છે.

રામ સેતુ

રામ સેતુ પુલનું બંધારણ શ્રી રામ અને તેમની સેનાએ કર્યું. તેનો ઉલ્લેખ રામાયણમાં પણ છે. આ પુલ લંકામાં યુદ્ધ સમયે બનાવાયો હતો. માનવામાં આવે છે કે જ્યારે વાનર સેના કોઈ પત્થર પર શ્રીરામ લખતી તો તે પત્થર પાણીમાં ડૂબતો નહીં. આ રીતે આ પુલને બનાવવામાં આવ્યો હતો.

કેવી રીતે જશો રામેશ્વરમ

ફ્લાઈટથી- મદુરાઈ એરપોર્ટ રામેશ્વરમની સૌથી નજીક છે. તે અહીંથી 174 કીમી દૂર છે. એરપોર્ટથી તમે ટેક્સી કે બસથી અહીં પહોંચી શકો છો.

રેલ્વે- રામેશ્વરમ રેલ્વે સ્ટેશન અનેક મોટા શહેરો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે. તમે ચેન્નઈ, મદુરાઈ, કોઈમ્બતૂરથી અહીં ટ્રેનથી સરળતાથી જઈ શકો છો.

સડક માર્ગ- રામેશ્વરમ જવા માટે ઘણો સારો રસ્તો છે. તમે ભારતના કોઈ પણ ખૂણેથી બસ કે કારની મદદથી અહીં સરળતાથી તમારી સુવિધા અનુસાર જઈ શકો છે.

ફરવા માટેનો બેસ્ટ સમય

જો તમે રામેશ્વરમની સુંદરતાને માણવા ઈચ્છો છો તો તમે શિયાળાની સીઝનમાં જાઓ તે સારું રહેશે. અહીં ફરવા માટે ઓક્ટોબરથી એપ્રિલનો પ્લાન કરો. આ સમયે અહીંનું તાપમાન 20-30 ડિગ્રીની વચ્ચે રહે છે. તે ફરવા માટે સૌથી યોગ્ય છે. 

  • Follow us on: