- 25થી 30 વર્ષની અંદર સફેદ વાળ ચિંતાજનક
- ધૂમ્રપાનની આદત પણ વાળ માટે ખુબ ખરાબ છે
- તમારા આહારમાં પ્રોટીન, આયર્નનું પ્રમાણ જાળવી રાખો
વધતી ઉંમરના ઘણા ચિહ્નો હોઈ શકે છે, જેમ કે ડબલ ચિન, ચહેરા પર કરચલીઓ, હાડકાં નબળા પડવા. આ સિવાય સફેદ વાળ પણ વધતી ઉંમરની મોટી નિશાની માનવામાં આવે છે, પરંતુ જો 25થી 30 વર્ષની અંદર માથા પર સફેદ વાળ આવવા લાગે તો તે ચિંતાનો વિષય છે, કારણ કે સફેદ વાળનાં લીધે આત્મવિશ્વાસ ઓછો થાય છે અને શરમ અનુભવવી પડે છે. તમારે આવી સ્થિતિનો સામનો ન કરવો પડે એની માટે રોજની કેટલીક આદતો બદલવી જરૂરી છે.
વાળને સફેદ થતા કેવી રીતે અટકાવવા?
1. તણાવ દૂર કરો
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં વ્યક્તિ પર જવાબદારીઓનો મોટો બોજ હોય છે, જેના કારણે ચિંતા થવી અનિવાર્ય છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે તણાવને કારણે વાળ સફેદ થવા લાગે છે. તેથી જ્યાં સુધી શક્ય હોય, તમારા મનને શાંત રાખો, આ માટે તમે ધ્યાનની મદદ લઈ શકો છો.
2. બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રહો
આપણામાંથી મોટાભાગના લોકો તેલયુક્ત અને જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ સ્વાદને કારણે આપણે આપણા વાળને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. જો તમે ઈચ્છો કે નાની ઉંમરે વાળ સફેદ ન થાય, તો તેના માટે તમારા આહારમાં પ્રોટીન, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ્સ, વિટામિન્સ અને ઝિંકથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.
3. પૂરતી ઊંઘ મેળવો
ઓછી ઊંઘ લેવાથી શરીરના ઘણા ભાગો પર ખરાબ અસર પડે છે, પરંતુ આપણા વાળ પણ તેનાથી ખૂબ પ્રભાવિત થાય છે. એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દિવસમાં 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ નહીં તો તમે સફેદ વાળને આવતા રોકી શકશો નહીં.
4. વાળ પર તેલની માલિશ કરો
આપણા વાળને આંતરિક પોષણની સાથે બાહ્ય પોષણની પણ જરૂર હોય છે. જો તમે સફેદ વાળને રોકવા માંગતા હોવ તો કુદરતી તેલને માથામાં નાખો અને મસાજ કરો. આ માટે તમે ઓલિવ ઓઈલ, એરંડાનું તેલ, સરસવનું તેલ અને નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો.
5. ધૂમ્રપાન છોડો
તમે જોયું હશે કે ઘણા યુવા વયજૂથના લોકો સિગારેટ, બીડી, સિગાર, ગાંજા અને હુક્કાના વ્યસની હોય છે, પરંતુ તેની આપણા વાળ પર ખરાબ અસર પડે છે અને તે સમય પહેલા સફેદ થવા લાગે છે. તેથી બને તેટલી વહેલી તકે ધૂમ્રપાનની આદત છોડી દો.