• ગ્લુકોઝનો મુખ્ય સોર્સ છે ખજૂર
  • બાળકોને માટે ખજૂરનું સેવન લાભદાયી
  • ખજૂરનો શેક બનાવવાથી પણ થશે ફાયદો

ખજૂરમાં વિટામીન એ, બી અને સી પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટીશિયમ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આર્યન વિગેરે તત્વો હોય છે. એક કિલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તે ઘણાં ખનીજ પદાર્થો જેવા કે આર્યન, પોટેશિયમ, મેગ્નીશિયમ, સલ્ફર, કોપર, કેલ્શિયમ, ફોસફરસનો મુખ્ય સ્ત્રોત પણ છે. તેનું સેવન બાળકો માટે લાભદાયી રહે છે. જો બાળકો એકલા ખજૂર ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે તેમને ખજૂર શેક બનાવીને આપો. તે તેમના માટે લાભદાયી સાબિત થશે. તો જાણો કેવી રીતે ફટાફટ ઘરે બનાવી શકાશે આ ડ્રિંક.

ખજૂર શેક

સામગ્રી

- ત્રણ કપ દૂધ

- બાર નંગ ખજૂર

- ચાર નંગ કાજુ

- બે નંગ ઇલાયચી

- એક કપ આઇસ ક્યૂબ

- એક કપ વેનિલા આઇસક્રીમ

રીત

સૌ પ્રથમ ખજૂરને સારી ધોઇ લો અને તેને નાની સાઇઝમાં સમારી લો. કાજુને નાના નાના ટુકડામાં સમારી લો. ઇલાયચીને પીસીને પાઉડર બનાવી લો. ત્યારબાદ થોડું દૂધ અલગ કાઢી લો. ખજૂર અને દૂધને મિક્સરમાં મિક્સ કરી લો. ખજૂર બરાબર એકરસ થઇ જાય ત્યાં સુધી ક્રશ કરો. હવે બાકી રહેલા દૂધમાં ઇલાયચી પાઉડર નાખીને સારી રીતે દૂધને ફેંટી લો. ત્યારબાદ ફેંટેલા દૂધને ખજૂર શેકમાં મિક્સ કરીને ફરી એક વાર મિક્સરમાં મિક્સ કરો. વેનિલા આઇસક્રીમ અને આઇસ ક્યૂબ ઉમેરીને સર્વ કરો.


  • Follow us on: