ઉનાળાની ગરમીમાં શરીરને વધુ પોષણની જરૂર પડે છે. ગરમીમાં શાકભાજી ખાવાના વિકલ્પ બહુ ઓછા હોય છે. ત્યારે ભોજનમાં કયા શાકને સામેલ કરવા તેને લઇને હંમેશા મહિલાઓને ચિંતા રહે છે. સામાન્ય રીતે ઉનાળામાં કેરીનો રસ તો હોય છે પરંતુ વધુ પડતું કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાથી આહારમાં સમતોલન રાખવું જરૂરી છે.


સરગવાનું શાક બનાવવા માટે સામગ્રી (4 વ્યક્તિ માટે)

  • સરગવાની શિંગ 2 સ્ટીક (અંદાજે 250 ગ્રામ)
  • ચણાનો લોટ 1 ચમચો
  • 1 કપ છાશ (તમે પાણી અથવા દહીં પણ લઈ શકો)
  • 1 નંગ ટામેટું
  • 1 નંગ ડુંગળી
  • 4-5 કળી લસણ (ઝીણા કાપી લેવા)
  • 1 ચમચી તેલ
  • 1 નાની ચમચી રઈ
  • મીઠું, મરચું, હિંગ, ધાણાજીરું અને ગરમ મસાલો જરૂરિયાત મુજબ

સરગવાનું શાક બનાવવા માટેની રીત

સરગવાની શીંગનું શાક બનાવવા સૌપ્રથમ તમે આ શીંગની થોડી છાલ કાઢી તેને ધોઈ લો. બાદમાં એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં સરગવાની શીંગ બાફવા મૂકો. અંદાજે 15 મિનિટ સુધી આ શિંગને ગરમ પાણીમાં ઉકાલો. સરગવાની શિંક બફાઈ જાય એટલે એક ચારણીમાં કાઢો અને પાણી નિતારી લો.

આ શિંગમાંથી પાણી નિકળી ત્યાં સુધી બીજી બાજુ એક પેનમાં તેલ મૂકો. તેલ સાધારણ ગરમ થાય ત્યારબાદ તેમાં રઈ નાખો. રઈ તતડે એટલે તેમાં ચપટી હિંગ નાખ્યા પછી ઝીણાં સમારેલી લસણના ટુકડા નાખો. (લસણ ના ખાતા હોવા તો તમે તેને છોડી શકો છો ) છાશમાં પલાળેલ ચણાના લોટનું ખીરું નાખો. (આ નાખતા પહેલા છાશમાં ચણાનો લોટ પલાળો અને તેમાં હેન્ડ મિક્સી ફેરવી દો જેથી કરીને તેમાં ગઠ્ઠા ના પડે) તેલમાં ચણાના લોટનું ખીરું નાખ્યા બાદ તે સહેજ ખદેખદે એટલે સરગવાની બાફેલી શીંગ નાખી મિક્સ કરો. આ મિશ્રણતમાં તમે તમામ મીઠું, મરચું, ધાણાજીરું નાખી 5-7 મિનિટ ગેસ પર ચઢવા દો. ત્યારબાદ લીલા ધાણા નાખી મિક્સ કરી ગેસ ઓફ કરી દેવો. ગરમીની સિઝનમાં થોડી જ મિનિટમાં સ્વાસ્થય વર્ધક સ્વાદિષ્ટ શાક તૈયાર.

સરગવાના ફાયદા

સરગવો ન્યૂટ્રાશ્યૂટિકલ ગુણધર્મ ધરાવે છે. સરગવાના સેવનથી લોહી શુદ્ધ થાય છે તેમજ ચામડીની ચમક, વાળ અને આંખના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાતં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કેન્સર જેવી ગંભીર બીમારીમાં સરગવાનું સેવન લાભકારક માનવામાં આવે છે. કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત હોવાથી સરગવાનું સેવન હાડકાં મજબૂત કરે છે. એટલે સાંધા અને ઘૂંટણના દુખાવામાં ખૂબ ગુણકારી છે. સરગવો આયર્ન, મેગ્નેશિયમ અને સેલેનિયમ પુષ્કળ માત્રામાં ધરાવે છે.

  • Follow us on: