ભારતમાં ફરી પાછો કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને લોકોને સર્તક રહેવા સૂચન કર્યું છે. કોરોના ખતરાને ટાળવા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. અત્યારે રજાઓના દિવસો છે ત્યારે બાળકો હોટલમાં જવાની જીદ કરતા હોય છે. આવી સ્થિતિમાં તમે ઘરે જ હોટલ જેવું સ્વાદિષ્ટ જમવાનું બનાવી તેમને આનંદ આપી શકો છો.
આજના લેખમાં અમે તમને એક સ્વાદિષ્ટ વાનગીને રેસીપી જણાવીશું. આ રેસીપી સ્વાદની સાથે બાળકોનું આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે પણ વધુ ઉપયોગી રહેશે. 

પનીર ભુરજી બનાવવાની સામગ્રી
1 નંગ કેપ્સિકમ ઝીણું સમારેલું
1 નંગ ટામેટું ઝીણું સમારેલું
2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
2 ટેબલસ્પૂન ટોમેટો કેચપ
1 ટેબલસ્પૂન મલાઈ
મસાલા
3 ટેબલસ્પૂન તેલ
1 ટી સ્પૂન જીરું
2 નંગ તમાલપત્ર
1/2 ટી સ્પૂન આદું ની પેસ્ટ
1/2 ટી સ્પૂન મરચાંની પેસ્ટ
1 ટી સ્પૂન લસણની પેસ્ટ
1 ટી સ્પૂન લાલ મરચું
1/2 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
1/2 ટી સ્પૂન કસુરી મેથી
મીઠું સ્વાદ અનુસાર

પનીર ભુરજી બનાવવાની રીત
તમે ઘરે હોટલની જેમ પનીર ભૂરજી બનાવી શકો છો. આ માટે સૌ પ્રથમ પેન અથવા કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ધ્યાનમાં રાખો કે તમારે શાકભાજીની સામગ્રીના અંદાજ મુજબ તેલ લેવું. તેલ મૂકયા બાદ તેમાં તમાલપત્ર, જીરું અને સૂકૂ મરચું નાખો. આ મસાલા સાધારણ સંતળાઈ જાય પછી તેમાં આદું મરચાં અને લસણની પેસ્ટ વારાફરતી સાંતળો. પછી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળીને 1 કે 2 મિનિટ સાંતળ્યા બાદ તેમાં ટામેટા અને પછી કેપ્સિકમના ઝીણાં ટુકડા નાખ્યા બાદ જરૂરિયાત મુજબ મીઠું ઉમેરો. પછી ટામેટા અને કેપ્સિકમને 8-10 મિનિટ સાંતળો. જેથી નરમ થઈ જાય અને ખાતી વખતે કાચા ના લાગે. કેપ્સિકમ અને ટામેટા ગળી જાય ત્યારબાદ થોડું પાણી ઉમેરીને સાધારણ ચઢવા દેવું.
આ મસાલા નાખ્યા બાદ તમે ખમણેલું પનીર નાખો અને ટોમેટો કેચપ અને મલાઈ શાકભાજીના મિશ્રણને હલાવો. ત્યારપછી 2 કે 3 મિનિટ સુધી થોડી વાર પેન ઢાંકી દો જેથી તમામ મસાલા તેમાં એકરસ થઈ જાય. હવે તેલ છુટું પડે એટલે તેમાં લીંબુનો રસ અને ઉપરથી કોથમીર નાખી પરોઠા અથવા નાન સાથે બાળકોને સર્વ કરી શકો છો.

આ સરળ રીતે ઘરે બનાવો હોટલની જેવી પનીર ભુરજીની વાનગી બાળકોના સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક.
  • Follow us on: