ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પંહોચતા લોકો પણ ત્રાહિમામ પોકારવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ગૃહિણીઓ માટે રસોઈ કરવી એક બહુ મોટી સમસ્યા બને છે. સવારની ઠંડકમાં રસોડામાં ઉભા રહી ખાવાનું બનાવવામાં મુશ્કેલી થતી નથી પરંતુ રાત્રિનું ભોજન બનાવવામાં તેમને બહુ કંટાળો આવે છે.ગૃહિણી માટે 43 ડિગ્રીમાં રસોડામાં કામ કરવું એ મોટો પડકાર બને છે. કારણ કે રસોઈ કરતી વખતે ગેસ બંધ થવાની બીકે પંખો સતત ચાલુ નથી રાખી શકાતો. એવા સમયે ઘરના તમામ સભ્યો માટે રસોઈ બનાવવી એ માથાનો દુઃખાવો બને છે. ગરમીના પ્રકોપમાં રાત્રિના ભોજન માટે રસોડામાંથી છુટકારો મેળવવો હોય તો આ રેસીપી તમને જરૂર મદદ કરશે.
ઉનાળાની ગરમીના કારણે લોકો પાણીનું વધુ સેવન કરતા હોય છે. તેમજ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા ઓછા તેલ અને મસાલાવાળો ખોરાક લેવો જોઈએ. જો તમે આ ઋતુમાં વધુ તળેલું ભોજન ખાવાનું શરૂ કરો છો, તો તેનાથી તમને પાચન સમસ્યાઓ સહિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે તમારા આહારમાં હળવી વસ્તુઓનો સમાવેશ કરવા માંગો છો અને રસોડાના કામમાંથી ઝડપથી મુક્ત થવા માંગો છો, તો તમે આ ટિપ્સની મદદ લઈ શકો છો.
ભીંડાની શાકભાજી
આ ભીંડાના શાકભાજીની ખૂબ જ સરળ રેસીપી છે, તમે તેને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકો છો. આ બનાવવા માટે, તમારે ભીંડાના જાડા ટુકડા કરી લેવા અને તેને હળદર, મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા પાવડર સાથે શેકવા. જો તમે ઈચ્છો તો, તેમાં થોડો ચણાનો લોટ ઉમેરીને પણ તેને શેકી શકો છો. તમે તેને નાસ્તા તરીકે અથવા રોટલી અને ભાત સાથે પણ ખાઈ શકો છો.
બટાકા પૌંઆ : ગરમીના કારણે દરરોજ ભાખરી અને પરોઠા બનાવવા ના ઇચ્છતા હોવ તો બટાકા પૌંઆની વાનગી પણ બનાવી શકો છો. અનેક ઘરોમાં બટાકાપૌંઆ બ્રેકફાસ્ટમાં લેવાતા હોય છે. પરંતુ સ્વાદિષ્ટ બટાકા પૌંઆ બનાવશો તો ઘરના લોકો બીજી વાર માગણી કરશે. બટકાપૌંઆ બનાવવા માટે સૌ પ્રથમ નાના સમારેલા બટાકાંને પેનમાં થોડું તેલ મૂકી મીઠું નાખી ચઢવી દો. અને બીજી બાજુ પૌંઆને ધોઈને પલાળી દો.અને પછી તેને એક ચારણીમાં કાઢો.બટકા ચઢી જાય બાદ તેમાં પલાળેલા પૌંઆ નાખી જરૂરી મીઠું, મરચાં અને હળદરનો મસાલો કરો. ત્યારબાદ થોડા પાણીમાં ત્રણ-ચાર ચમચીદળેલી ખાંડ અને 1 લીંબુનો રસ નાખો અને પછી તેને પૌંઆમાં મિશ્રણ કરો.આમ કરવાથી પૌંઆ ચટપટા બનશે. તમે ખાંડ અવોઇડ કરી શકો છે. આ ઉપરાંત તમે આમાં સીંગ અને દાડમ પણ નાખી શકો છો.તેમજ તેમાં ફલેવર લાવવા ગળ્યું ચવાણું અને આલુ સેવ પણ ઉપરથી લઈ શકો છો.
મુઠીયા : રાત્રિભોજનમાં દુધીના અને પાલકના મુઠીયાની વાનગી પણ તમને રસોડામાં સતત ઉભા રહેવામાંથી મુક્તિ આપશે. સોજીના લોટ તેમજ ઘંઉના જાડા લોટમાંથી બનતા મુઠીયામાં રાંધેલા ભાતનો ઉપયોગ કરવાથી તે વધુ સોફ્ટ બને છે. મુઠીયામાં તેલનું મોયણ નાખી તમારી જરૂરીયાત મુજબ લસણ, હીંગ, મીઠું, મરચું, ધાણાજીરાના પાઉડર અને કોથમીર સહિતના મસાલા કરી વધુ કઠણ નહીં અને વધુ મુલાયમ નહીં તેમ પરોઠા જેવો લોટ બાંધો. ત્યારબાદ તેના વાટા વાળી શકો અથવા નાના નાના મૂઠીયા કરી શકો છો. જો તમે વરાળથી બાફવા મૂકતા હોવ તો અંદાજે 30 મિનિટથી વધુ સમય સુધી રાખવું પડશે. અને જો ઓવનમાં મૂકતા હોવ તો તેમાં દર્શાવવામાં સમય મુજબ ટાઈમ સેટ કરો.મુઠીયા તૈયાર થઈ જાય ત્યારબાદ રઈ અને તલનો વઘાર કરી દહીં તેમજ ચા સાથે ખાઈ શકો છો.
પુલાવ : ઉનાળામાં તમે રાત્રિ ડિનરમાં ફક્ત પુલાવ બનાવી પરીવારના લોકોની ભૂખની સમસ્યાનો સારો ઉકેલ કહી શકાય. પુલાવમાં તમે વટાણા તેમજ ગાજર, મકાઉ અને કેપ્સિકમ સહિતના મનગતમા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. કેટલાક કુકરમાં પુલાવ બનાવે છે તો કેટલાક બહાર છુટો ભાત કર્યા બાદ તેલનો વઘાર કરી તમામ શાકની સામગ્રી નાખે છે.અડધો કલાકથી વધુ સમય સુધી પલાળેલા ચોખાને થોડી વાર ગેસ પર ઉકાળો. ચોખાને વધુ પકવવાના બદલે તે વધુ છુટા થાય માટે જ્યારે ચોખાનું પાણી ઉકળવા લાગે અને સાધારણ ચઢી એટલે તરત જ ચાળણીમાં કાઢી દો. ત્યારબાદ કઢાઈમાં તેલ મૂકી ગાજર, કેપ્સિકમ અને મકાઈ સહિતના શાકભાજી સાંતળી દો અને ત્યારબાદ તેમાં ચોખા નાખી મીઠું, મરચું સહિતના જરૂરિયાત મુજબ મસાલા નાખી પુલાવ બનાવી શકો છો. પુલાવ વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો.
ઉનાળાની ઋતુમાં, મહિલાઓની હાલત ખરાબ થઈ જાય છે કારણ કે તેમને કલાકો સુધી ગેસ સામે ઊભા રહીને આખા પરિવાર માટે ભોજન બનાવવું પડે છે. ગરમીના દિવસોમાં સમયની બચત કરવા રસોડામાંથી મુક્તિ મેળવવા આ રેસીપી જરૂર ટ્રાય કરો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.