• વિનેગરની મદદથી સાફ કરો સ્વીચબોર્ડ કે દિવાલ
  • લીંબુની મદદથી પણ સાફ થશે ચિકાશ
  • બેકિંગ સોડા ડાઘને સાફ કરવામાં કરશે હેલ્પ

રસોઈ એવી જગ્યા છે જ્યાં કંઈકને કંઈક સારું ખાવાનું બનતું જ રહે છે. જ્યારે તમે જમવાનું બનાવો છો તો તેલના છાંટા ઉડવાના કારણે દીવાલો ગંદી થાય છે અને સાથે જ તેની પર ચિકાશ પણ જામે છે. સ્વિચબોર્ડ, એક્ઝોસ્ટ ફેન, ટાઈલ્સ, ડબ્બા, કબાટ વગેરે પર તેની ચિકાશ જામે છે. આ સાથે અહીં ડસ્ટ પણ જમા થાય છે. તેનું એક લેયર આ તમામ વસ્તુઓ પર બને છે. તમે યોગ્ય સમયે તેને સાફ કરી લો તો તેના ડાઘ જામતા નથી. જો તમે સરળતાથી આ ડાઘને સાફ કરવા ઈચ્છો છો તો તમે રસોઈની જ કેટલીક વસ્તુઓની મદદ લઈ શકો છો. તેનો ખાસ ઉપયોગ તમને ઓછી મહેનતે સફાઈ આપશે.


આ રીતે રસોઈની ચીકણી દિવાલોને સાફ કરો

વિનેગર

દરેક ઘરમાં વિનેગર સરળતાથી મળી રહે છે. તમે તેનો ઉપયોગ સરળતાથી સફાઈ માટે કરી શકો છો. એક વાસણમાં વિનેગર લો અને સાથે એક સાફ કપડું કે એક સ્પોન્જ લો. તેને વિનેગરમાં ડૂબાડી લો. હવે આ કપડા કે સ્પોન્જથી ડાઘ લાગેલી દીવાલો, સ્વીચ બોર્ડને સાફ કરો. કિચનની દીવાલ પર લાગેલા ડાઘ સરળતાથી છૂટી જશે. જ્યારે એક સાફ કપડાથી દીવાલ લૂછવામાં આવે છે ત્યારે તેની પરના બેક્ટેરિયા નાશ પામે છે અને તેમાં ચમક આવે છે.

લીંબુનો રસ અને સોડાનું પાણી

રસોઈમાં લાગેલા જિદ્દી ડાઘને સાફ કરવા માટે લીંબુને કાપીને ચિકાશવાળી જગ્યાએ ઘસો. આમ કર્યા બાદ સોડાના પાણીમાં એક કપડું ભીનું કરો અને તે જગ્યાને ફરીથી સાફ કરો. પછી તેને પાણીથી ધોઈ લો. ડાઘ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.


મીઠું

મીઠાના ઉપયોગથી તમે તેલના જિદ્દી ડાઘને સારી રીતે છોડાવી શકો છો. સૌથી પહેલા ચિકાશવાળી જગ્યાએ મીઠું છાંટો અને પછી તેને થોડીવાર માટે એમ જ રહેવા દો. જ્યારે મીઠું તેલને શોષી લે તો તે જગ્યાએ વિનેગર સ્પ્રે કરો અને તેને કપડાથી સાફ કરી લો. ડાઘ દૂર થઈ જશે.

બેકિંગ સોડા

દીવાલ પર લાગેલી ચિકાશને હટાવવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તમે એક કપ ગરમ પાણી લો અને તેમાં બેકિંગ સોડા મિક્સ કરો. તેમાં સ્પોન્જ કે કપડું ડુબાડો અને ડાઘવાળી જગ્યાએ તેને ઘસો. આ પછી અન્ય કપડાથી તેને લૂછી લો. ડાઘ અને ચિકાશ સાફ થશે. 

  • Follow us on: