ઉનાળાની ગરમીમાં સામાન્ય રીતે લોકોને કેરીના રસનું સેવન કરવું વધુ પસંદ હોય છે. કેરીના રસની સાથે ગુજરાતી ઘરોમાં શાક નહીં પરંતુ કઠોળ અને સફેદ ઢોકળા વધુ પ્રમાણમાં બને છે. આવી સ્થિતિમાં ગૃહિણીઓ માટે એક સમયના ભોજનમાં નિશ્ચિતપણે કેરીના રસને સ્થાન મળવાથી કયું શાક બનાવું તેની ચિંતા દૂર થાય છે. પરંતુ પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગરમીમાં કયું શાક વધું સારું રહેશે તેને લઈને મૂંઝવણ થાય છે. અમે તમને જણાવીશું કે ગરમીમાં Healthy રહેવા આ શાકભાજીનું સેવન વધુ ફાયદાકારક રહેશે.


ગરમીમાં શરીરના સારા સ્વાસ્થ્ય માટે તમે દુધી, કોળુ, કાકડી, ટમેટા, પાલક અને મેથી જેવી લીલીભાજી તેમજ તુરિયાં જેવા શાકભાજીને રોજિંદા આહારમાં સામેલ કરી શકો છો. 

દૂધીમાં 90% પાણી અને ઓછી કેલોરી હોય છે. એટલે ગરમીમાં પાણીનો શોષ પડતો હોય તેમાં પોષણ મળે છે. દૂધીનું સેવન વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે વધુ સારો વિકલ્પ મનાય છે.  આ ઉપરાંત હૃદયના સ્વાસ્થ્ય માટે દૂધીનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે. 

ટામેટામાં વિટામીન સી, પોટેશિયમ, અને વિટામીન કે અને કોપર જેવા પોષકતત્વો પ્રચૂર માત્રામાં રહેલા છે. ટામેટાના સેવન કરવાથી આહારનું પાચન સારી રીતે થાય છે. ટામેટાં મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર માનવામાં આવે છે. ટામેટાંનું સેવ સાથે બનાવવામાં આવતું શાક ઓછા સમયમાં ઝડપી બનવાથી રસોડામાં લાંબો સમય ઉભા રહેવામાંથી મુક્તિ મળે છે.

લીલીભાજી પોષક તત્તવોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે વધુ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. લીલીભાજીમાં ફાઈબર, વિટામિન્સ, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્ત્વો રહેલા છે. રોજિંદા આહારમાં લીલા શાકભાજીનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

જો ઘરના સભ્યોને ફક્ત એક શાક એટલે કે દૂધી અને તૂરિયા ના પસંદ આવતા હોય તો તમે તેમાં એક બટાકા, ટામેટાં અને ડુંગળીનું મિશ્રણ કરી સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો. પરંતુ યાદ રાખજો કે આ શાકભાજીમાં દૂધી જેવા શાક (એક પ્રકારના શાક)નું પ્રમાણ વધારે રાખવું.

કેમ શાકભાજીનું સેવન જરૂરી

ગરમીના દિવસોમાં આ શાકભાજીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યામાં રાહત મળશે. દૂધી હોય કે પછી તૂરિયા તેનું શાક બનાવાથી શરીરમાં ભારેપણું લાગશે નહી. આ શાકભાજીનું સરળતાથી પાચન કરી શકાય છે. ઉનાળામાં શરીરની જરૂરિયાતો બદલાઈ જાય છે. ઉનાળામાં વધુ પડતો પરસેવો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. શરીરમાં પાણીની ઉણપની સાથે, પાચન સમસ્યાઓ પણ થતી હોવાથી આવી સ્થિતિમાં, વ્યક્તિએ હળવો, ઠંડક આપતો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. 


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

  • Follow us on: