ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ. ગરમી શરૂથતાં જ મોટાભાગના ઘરોમાં અત્યારે લાંબા સમય સુધી એસી ચાલુ જોવા મળે છે. AC શરીરને બહારથી ઠંડક આપે છે. જ્યારે શરીરની અંદર ઠંડક મેળવવા ગળામાં પાણીનો શોષ પડતો હોય તે દૂર કરવા રેફ્રિજરેટરના ઠંડા પાણીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વારંવાર રેફ્રિજરેટરના ઠંડા પાણીનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન પહોંચે છે. આવી સ્થિતિમાં ઘરના માટલામાંથી જ તમે ફ્રિજ જેવું ચિલ્ડ પાણી પી શકો તેને લઈને એક ટિપ્સ આપીશું.
આજે દરેક વસ્તુમાં લોકો જ્યારે ગુગલ પર સર્ચ કરી પોતાના પ્રશ્નોના જવાબ મેળવે છે ત્યારે પહેલાના સમયમાં ઘરના વડીલો જ ગૂગલ કહેવાતા હતા. દાદીના નુસખા આજે પણ એટલા જ ઉપયોગી છે. ઘરના માટલાનું પાણી ઠંડું રાખવા માટે નીચેની રીતો અપનાવી શકાય.
- માટલાને ઠંડુ રાખવામાં આવે તો તેમાંથી ફ્રિજ જેવું ઠંડુ પાણી આપણને મળે. જૂના માટલામાં બહારના ભાગ પર ક્ષાર થવાના કારણે ધીરે-ધીરે અંદર રહેતા પાણીની ઠંડક ઓછી થઈ જાય છે. આ માટે તમે માટલાની બહારના ભાગ મીઠાથી સાફ કરો. એટલે કે એક કપડું લો અને તેમાં થોડું મીઠું નાખો પછી તેને માટલા પર ફેરવો. થોડો ટાઈમ આ મીઠું રહેવા દો પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આમ, કરવાથી માટલા પરના ક્ષાર દૂર થશે અને ફ્રિજ જેવું ઠંડુ પાણી થવા લાગશે.
- ઠંડુ પાણી મળે માટે તમે હંમેશા છાંયડાવાળી અને હવાની અવર-જવર રહેતી હોય તેવી જગ્યાએ માટલાને રાખો. સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવાથી તે લાંબા સમય સુધી ઠંડું રહે છે.
- માટલાની બહાર ભીની ચૂંદડી કે કપાસનું કપડું લપેટી દો. પાણી વરાળ રૂપે ઊડીને જાય ત્યારે ઠંડક ઉત્પન્ન થાય છે, જેને "એવાપોરેટિવ કૂલિંગ" કહે છે.
- નિયમિત રીતે માટલાની સફાઈ કરો જેથી છિદ્રો ખુલ્લા રહે. જેના કારણે ગરમી બહાર નીકળી જશે અને ઠંડક સારી રીતે જળવાઈ રહેશે.
- આજકાલ બજારમાં ગુણવત્તાયુક્ત માટલા મળે છે જે સારી માટીમાંથી બન્યા હોય છે. વિશિષ્ટ પ્રકારના બનાવવામાં આવેલ આ માટલામાં લાંબા સમય સુધી પાણી ઠંડુ રહે છે.
- માટલાની બાહ્ય સપાટી પર કપડું મૂકી પાણીનો છંટકાવ કરતા રહો. દિવસમાં 2-3 વખત માટલાની બહાર પાણી છાંટવાથી પણ તે ઠંડું રહે છે.
- માટલાને સાફ કરવા માટે પણ મીઠું અને લીંબૂ પણ ઉપયોગી છે. તે માટલાની ખરાબ ગંધ અને જંતુઓ દૂર કરવામાં સહાયક હોય છે.
- માટલાની બહાર લપેટવા માટે વપરાતા ભીના કપડામાં થોડું મીઠું ઉમેરો. મીઠું ભેજ વધારે સમય સુધી જાળવી શકે છે, જેના કારણે longer evaporation થાય છે અને પાણી વધારે ઠંડું રહે છે.
રેફ્રિજરેટરના પાણીથી થાય છે નુકસાન
ઉનાળાની ગરમીમાં લાંબા સમય સુધી ગરમીમાં રહ્યા બાદ ઘરે પાછા ફર્યા પછી ફ્રીજનું સીધું ઠંડુ પાણી પીએ છીએ. ઠંડુ પાણી પીવાથી શરીરને ઝટકો લાગે છે. એકદમ ગરમી અને એકદમ ઠંડું પાણી એમ શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. અને ઠંડું પાણી પીવાના કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે તેમજ પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડે છે.આમ, ઠંડા પાણીનું સેવન કરવાથી ખોરાક પચાવવા માટે વધુ મહેનત કરવી પડે છે. એટલે જ ફ્રિજના પાણીના બદલે માટલાના પાણીનો ઉપયોગ કરવા સ્વાસ્થ્ય માટે વધુ લાભકારક સાબિત થશે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.