- સાદા મમરાને આપો ટેસ્ટ
- લસણની મદદથી વધશે ટેસ્ટ
- સેવ ઉમેરી સેવ-મમરાની માણો મજા
ગુજરાતીઓને સેવ મમરા ઘણા પ્રિય હોય છે. લગભગ દરેક ઘરમાં સવારે આ નાસ્તો જોવા મળે છે. જો તમે સાદા મમરા ખાઈને કંટાળ્યા છો તો તમે મમરાને વઘારતી સમયે એક ખાસ નુસખો અપનાવો. તમે ટેસ્ટી લસણિયા મમરાની મજા માણી શકશો. સરળતાથી બની જતા આ મમરા તમારા માટે પરફેક્ટ નાસ્તો બની શકે છે. તો જાણો લસણિયા મમરા બનાવવાની પરફેક્ટ રીત.
સામગ્રી
- 1 વાટકો મમરા
- 4-5 કળી લસણ
- 1/2 વાટકી મીડિયમ ઝીણી સેવ
- 2 ચમચા તેલ
- મીઠું સ્વાદ અનુસાર
- 1 ચમચી મરચુ પાઉડર
- ચપટી હિંગ

બનાવવાની રીત
સૌ પહેલા તૈયાર મમરાને ચાળીને સાફ કરી લો. હવે તેને ગરમ કઢાઈમાં ધીમા ગેસે શેકી લો. આમ કરવાથી મમરાનો ભેજ ખતમ થઈ જશે. આ પછી જો તમે લસણનો સારો ટેસ્ટ ઈચ્છો છો તો તમે લસણની કળીઓને છોલીને સાફ કરો. આ પછી તેને ખાંડી લો, તેમાં લાલ મરચાનો પાવડર નાંખો અને તેને પણ કૂટી લો. ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરો અને લસણ મરચાની જે પેસ્ટ તૈયાર કરી છે તેને તેમાં મિક્સ કરો. સારી રીતે તેને સાંતળી લો. લસણની સ્મેલ આવે ત્યાં સુધી તેને હલાવો. હવે તેમાં મમરા મિક્સ કરો અને પછી મીઠું ઉમેરી લો. તમામ ચીજોને 2 મિનિટ સુધી સારી રીતે શેકી લો. હવે તેમાં સેવ પણ મિક્સ કરો. તેને ફરીથી અડધી મિનિટ માટે હલાવી લો. તમારા લસણિયા મમરા તૈયાર છે. ગેસ બંધ કરો અને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ મમરા તમે લાંબા સમય સુધી યૂઝ કરી શકશો.